પોલીસ દ્વારા મોડી રાત્રીના આ લૂંટ ચલાવનારા કુંભરવાળા વિસ્તારના બન્ને શખસોને નારી રોડ નજીકથી મુદામાલ સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.
ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તાર રાત્રીના સમયે લૂંટની ઘટના બનતા ચકચાર મચી હતી. નવરાત્રીના તહેવારમાં પ્રથમ નોરતે હત્યાની ઘટના અને બીજા નોરતાના દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ તંત્રની મુશ્કેલીમાં વધારો થયો હતો. નિર્મળનગર વિસ્તારમાં હીરા ઉદ્યોગ માટે હબ ગણાતા ક્રિસ્ટલ બિલ્ડિંગમાં આવેલી આર.મહિન્દ્રા નામની આંગડિયા પેઢીના કર્મચારીને બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી છરી બતાવી અંદાજે રૂપિયા 20 લાખની મત્તા ભરેલો થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
અંકિત પટેલ નામનો આંગડિયા પેઢીનો કર્મચારી ઢસા તરફ જવા રોડ પર ઉભો હતો, તે દરમિયાન આરોપી એક ભરત ટાખલા કુંભારવાડાનો રહેવાસી અને અન્ય એક લાલાભાઈ આલગોતર કુંભરવાળા રહેવાસી બંને એક બાઈક પર આવી છરી બતાવી અંકિત પટેલના હાથ માં રહેલો થેલો લૂંટી બાઈક પર નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ભાવનગર સીટી ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ મથક સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. CCTV તેમજ બાતમીદારોની મદદથી લૂંટ માં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
નિર્મલનગર વિસ્તારમાં લૂંટની ઘટના બની હોવાની પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર દ્વારા લૂંટ ચલાવનારને ઝડપી લેવા જુદી-જુદી ટીમ બનાવી નાકાબંદી કરતા આખરે પોલીસ તંત્રને સફળતા મળી હતી. અને કુંભારવાડા નારીરોડ પર આવેલા 10 નાળા પાસેથી ભરત ટાખલા કુંભારવાડાનો રહેવાસી અને અન્ય એક લાલાભાઈ આલગોતર કુંભરવાળા રહેવાસી બંને કાર લઈ નાસી છૂટવાનો પ્રયાસ કરવા જતાં બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. ભાવનગર પોલીસ દ્વારા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ અને હીરા સહિત અંદાજે રૂ.20 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.