ભાવનગરઃ આગામી ડિસેમ્બરમાં મનપા અને પંચાયતની ચૂંટણી છે. રાષ્ટ્રીય કક્ષાએ શક્તિસિંહ ગોહિલને બિહાર સાથે દિલ્હીના પ્રભારીનો ચાર્જ સોપાતા શક્તિસિંહ ગોહિલના પ્રભાવમાં વધારો થયો છે. સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષા થઈ રહી છે. આગામી ચૂંટણીમાં શક્તિસિંહ નજીકના લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકિટ નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાવનગર શહેરમાં પશ્ચિમ બેટબક પર જીત મેળવી ધારાસભ્ય રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજનું ગૌરવ અને પ્રજાના ચાહિતા નેતા પણ માનવામાં આવે છે. ઘણા સમયથી રાષ્ટ્રીય કક્ષાએ સંપર્કમાં રહ્યા બાદ તેમને બિહારના પ્રભારીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બિહારમાં સારી કામગીરી બાદ હવે કોંગ્રેસએ શક્તિસિંહ ગોહિલને વધુ એક ચાર્જ સોંપવામાં આવ્યો છે. દિલ્હીમાં એક પણ બેઠક નહિ મળ્યા બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે.
કોંગ્રેસે દિલ્હીમાં પાર્ટીને મજબૂર કરવા ગુજરાતી અને ભાવનગરના શક્તિસિંહ ગોહિલને પસંદ કર્યા છે. શક્તિસિંહ ગોહિલને ચાર્જ સોંપતા કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાએ એક જ વ્યક્તિને બે રાજ્યોના પ્રભારીનો ચાર્જ સોંપ્યો હોવાનું ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં સ્થાનિક નેતાઓ તેમને અભિનંદનથી આપી રહ્યા છે.
શક્તિસિંહ ગોહિલ ભાવનગર કોંગ્રેસમાં ગમે તેવી સ્થિતિ હોય પણ તેમની હાજરીમાં દરેક સમસ્યા હલ થઈ જાય છે. એવામાં મનપા અને પંચાયતની ચૂંટણી માથે છે. આગામી ડિસેમ્બરમાં આવનારી ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલનો રોલ શું રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
શક્તિસિંહને દિલ્હીના પ્રભારી બન્યા બાદ ભાવનગરમાં તેમનું કદ જરૂર વધવાનું છે. મનપામાં અને પંચાયતમાં ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલના ઈશારે ચૂંટણી લડાય તેવું પણ બની શકે છે. જો ભાવનગરમાં કોંગ્રેસમાં થયેલી ઉથલપાથલને કેવી રીતે રોકી શકાય છે. તે જોવાનું રહેશે, પણ એ વાત નિશ્ચિત છે, કે શક્તિસિંહ ગોહિલના હાથ જેના પર હશે તેના હાથમાં નગરસેવકની ચૂંટણીની ટીકિટ જરૂર હશે.