ભાવનગર: ભગવાન શિવને રીઝવવાના દિવસોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસની ગુરૂવારના પવિત્ર દિવસથી શરૂઆત થઇ ચુકી છે. અનેક શિવભક્તો અને શિવાલયોમાં શિવની આરાધના માટે ભક્તિના અલગ અલગ પ્રકારો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ETV ભારત લાખો રુદ્રાક્ષના બનેલા શિવલિંગની દર્શનની લાભ તમને અપાવવા જઈ રહ્યું છે. ચાલો જોઈએ કઈ રીતે બનાવવામાં આવ્યું છે લાખોના રુદ્રાક્ષનું આ શિવલિંગ અને શું છે તેની ખાસિયત...
'ભગવાન શિવનું એક મંદિર ગાયત્રી ધામમાં આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ 17 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યો છે. આ મંદિરમાં આવેલું પાર્થિવ શિવલિંગ કે જેનું ખુબ ધાર્મિક મહત્વ છે તેવા શિવલિંગને રુદ્રાક્ષથી બનાવવામાં આવેલું છે. આ શિવલિંગમાં 2 લાખ 50 હજાર પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 21 ફૂટ જેટલી તેની ઉંચાઈ છે, 12 ફૂટનો ઘેરાવો છે એવા શિવલિંગની અસ્થાયી રૂપે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. લોકો માટે ગુરુવારથી આ શિવલિંગ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.' -હરિશંકર પંડ્યા, મેનેજીંગ ટ્રસ્ટી, ગાયત્રી ધામ, ભાવનગર
શિવલિંગ ખાસિયત: શિવલિંગ ઉપર અર્ધ ચંદ્રકાર પણ લગાવવામાં આવ્યો છે. શિવલિંગ વચ્ચે ત્રિપુંડ લગાવાયું છે. આગળ મોટો ડોમ પણ બનાવાયો છે. લોકોને શ્રાવણમાસ નિમિતે પૂજા અર્ચના કરવા માટે તક પણ આપવામાં આવનાર છે. રુદ્રાક્ષ શિવલિંગની પૂજા અર્ચના અને પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. જોકે આ પ્રાણ પ્રતિષ્ઠા અસ્થાયી રૂપે કરવામાં આવશે.
ભગવાન શિવને રીઝવવાનો મહિનો: ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસ નિમિતે તૈયારીઓ પુરજોશમાં શિવાલયોમાં થઈ રહી છે. ભગવાન શિવને રીઝવવા માટે ભક્તો દ્વારા પણ પૂજા-અર્ચના કરવામાં આવી રહ્યા છે. ભક્તો શિવને કઈ રીતે રીઝવવા તેના માટે અભિષેક કરવો, જળ, દૂધ, પંચામૃત વગેરે મારફત ભગવાનને રિઝવી શકાય છે. બીલીપત્ર અર્પણ કરવા, ધતુરાનુ ફૂલ શોધીને શિવને અર્પણ કરવું વગેરે પ્રક્રિયાઓ દ્વારા રિઝવવાનું શરૂ કરશે.