- ભાવનગરના મુખ્ય પોઇન્ટ નારી ચોકડીથી નારીગામનો માર્ગ બિસ્માર
- વાહન ચાલકો અને પ્રવાસીઓને ભારે હાલાકી
- રાહદારીઓમાં અકસ્માતનો ભય
ભાવનગર: ભાવનગર શહેરથી અમદાવાદનો રૂટ ફોરલેન બની રહ્યો છે. જૂનો માર્ગ બિસ્માર બની ગયો છે. જેને રિપેર કરવામાં પણ તંત્રને રસ નથી. ત્યારે એક કિલોમીટરના માર્ગમાં પડેલા ખાડાથી હવે પ્રજાને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
બિસ્માર માર્ગને માર્ગને પગલે અકસ્માતનો ભય
ભાવનગર શહેરના નારી ચોકડીથી નારીગામ સુધીનો માર્ગ બિસ્માર બની ગયો છે. એક કિલોમીટરના માર્ગમાં પડેલા ખાડાને પગલે ધૂળ ઉડવી અને વાહન ચલાકનો કાબુ ગુમાવવા સુધીની સ્થિતિનું નિર્માણ થાય છે. ખાડા એટલી હદે છે કે હાઇવે હોવાના કારણે આવતા વાહનોને બ્રેક લગાવીને કાબુ મેળવવામાં મુશ્કેલી અનુભવવી પડે છે.
એક કિલોમીટરનો માર્ગ મહત્વનો કેમ?
ભાવનગરની નારી ચોકડી અમદાવાદ તરફ જતા માર્ગનું હબ છે. અમરેલી, સોમનાથ, મહુવા, ઉના અને પાલીતાણા તરફથી આવનારા લોકો ભાવનગર નારી ચોકડીથી અમદાવાદ, વડોદરા અને સુરત તરફ જાય છે. નારી ગામ સુધીનો માર્ગ પ્રવાસીઓ અને ટ્રાન્સપોર્ટર માટે મહત્વનો છે. એક કિલોમીટરના માર્ગમાં થિંગડા પુરવામાં તંત્રને રસ નથી અને છેલ્લા ચાર માસથી નારી ગામના લોકો અને પ્રવાસીઓ પરેશાન છે.
તંત્રનો શું જવાબ છે આ મામલે?
ભાવનગરના માર્ગ અને મકાન વિભાગ હેઠળ આ રસ્તો છે કે નેશનલ હાઇવે ઓથોરિટીનો છે એ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પણ ખ્યાલ નથી. જ્યારે અધિકારીની મુલાકાત લેવામાં આવી તો તેમણે જણાવ્યું કે અમારો આજે પહેલો દિવસ છે. ખ્યાલ નથી શું પરિસ્થિતિ છે. કારણ કે નવા ચાર્જમાં આવેલા અધિકારીએ બે દિવસ બાદ આ મુદ્દે કશું કહેવા જણાવ્યું હતું.