ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ ગરમ થઈ ચૂક્યો છે. ચૂંટણીની તારીખોની જાહેર થતાં જ પોલિટિકલ પાર્ટીઓ (Gujarat political parties) સત્તાના રણમેદાનમાં જીત મેળવવા માટે દિવસ રાત એક કરી રહી છે. ચૂંટણીના પ્રચાર-પ્રસારની તૈયારીઓ જોરો-શોરોમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. વલસાડથી ચૂંટણી પ્રચાર(election campaign)ની શરૂઆત કરી હતી.
ભવ્ય રોડ શોનું આયોજન: સમૂહ લગ્નમાં વડાપ્રધાનના આગમન પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે ઘોઘા સર્કલથી રબ્બર ફેકટરી સર્કલ સુધી રોડ શો યોજ્યો હતો. લાખાણી પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને ભેટ તરીકે ગાડું અર્પણ કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું ગણપતિની પ્રતિમા આપીને સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને કેન્દ્રિય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી પ્રચારના શ્રીગણેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે ભાવનગરની મુલાકાત લીધી હતી. ભાવનગરના જવાહર મેદાનમાં ઐતિહાસિક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. 551 દીકરીઓના સમૂહ લગ્નમાં PM મોદીએ હાજરી આપી નવદંપતીઓને આશિર્વાદ આપ્યા હતા. મારુતિ ઈંપેક્સના માલિક દિનેશ લાખાણી અને સુરેશ લાખાણી દ્વારા દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં દીકરીઓના સગા સંબંધીઓ સહિત અને લોકો ઉમટી પડ્યા હતા.
સમાજ સેવા સૌથી મોટી શક્તિ: એક બાજુ ચૂંટણીની મૌસમ ચાલી રહી છે ત્યારે સમૂહ લગ્નમાં વડાપ્રધાનની હાજરીને લોકોને ચૂંટણીલક્ષી ગણાવી હતી. પરંતુ વડાપ્રધાન ખુદે તેની સ્પષ્ટતા કરી દીધી હતી. વડાપ્રધાને સ્ટેજ પરથી બે નેતાઓના વખાણ કર્યા હતા. સમાજ સેવાની શક્તિ વિશે પણ પોતાનો મત રજૂ કર્યો હતો.
'લાખાણી પરિવારે યોજેલો સમૂહ લગ્ન કાર્યક્રમ ધન નહિ મનથી કર્યો છે. તેમણે માતાપિતા વિહોણી દીકરીઓના લગ્ન કર્યા છે. સમાજ શક્તિ સૌથી મોટી શક્તિ છે. લાખાણી પરિવારે પોતાની દીકરીના લગ્ન હોય તેમ મને એક વર્ષ પહેલાં આમંત્રણ આપ્યું હતું. આ ભાવના સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી દર્શાવે છે. સી આર પાટીલે કુપોષિત બાળકો માટે સરસ કાર્ય કર્યું છે. કુપોષણ બાળકોનું લિસ્ટ મંગાવ્યું અને લોકોને જણાવીને તેવા બાળકોને દત્તક અપાવ્યા છે. આ સમાજ સેવા એ જ ઈશ્વરની સૌથી મોટી સેવા છે. કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ કોરોના સમયમાં ટીબીના દર્દીઓ માટે ખૂબ સેવા કરી છે. હું અહીં દીકરીઓને આશીર્વાદ આપવા આવ્યો છું.'---વડાપ્રધાન મોદી