ભાવનગર : કહેવાય છેને કે, કળાના કોઈ સીમાડા નથી હોતા. આવી જ રીતે આંખોના અજવાળા છીનવાઈ ગયા છતાં પણ રંગીન રાખડીઓ બનાવવાનું કામ ભાવનગરના પ્રજ્ઞાચક્ષુઓ કરી રહ્યા છે. રક્ષાબંધન તહેવારના એક મહિના પહેલાથી જ પ્રજ્ઞાચક્ષુઓ રાખડી બનાવવાનું શરૂ કરે છે. પ્રજ્ઞાચક્ષુઓ તહેવાર દરમિયાન હજારો રાખડીઓ બનાવી વહેચી પણ નાખે છે. આંખોની રોશની ભલે ના હોય પણ ઈશ્વરની આંખે રાખડી બનાવવી તે કોઈ ચમત્કારથી ઓછું નથી. ત્યારે ETV BHARAT ના આ ખાસ અહેવાલમાં જુઓ પ્રજ્ઞાચક્ષુઓ કેવી રીતે બનાવે છે રંગબેરંગી રાખડી...
પ્રજ્ઞાચક્ષુ કલાકાર : ઈશ્વરે મનુષ્યને અનેક પ્રકારની શક્તિ આપી છે. ત્યારે અહીંયા વાત કરવી છે પ્રજ્ઞાચક્ષુઓની. ભાવનગર શહેરની અંધ ઉદ્યોગશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દર વર્ષે રાખડી બનાવે છે. રક્ષાબંધનને એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અંધ ઉદ્યોગશાળાના 50થી વધારે વિદ્યાર્થીઓ રાખડી બનાવવામાં લાગી ગયા છે. આ પ્રજ્ઞાચક્ષુ કલાકારોને આંખોની દ્રષ્ટિ નથી. પરંતુ ઈશ્વરે આપેલા મન, બુદ્ધિ, સંવેદનશીલતા અને તેમજ અનુમાનના પગલે તેઓ રાખડી બનાવી રહ્યા છે. તેઓએ રાખડી બનાવવાની શરૂઆત પાંચ વર્ષ પહેલા કરી હતી. જે આજે પણ અવિરત ચાલી રહી છે.
અમે ઘણા વર્ષોથી અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવી રહ્યા છીએ. જેમાં વીરા, મેરા ભાઈ અને ઓમની ડિઝાઈનની રાખડીઓ બનાવીએ છીએ. અમને પહેલા આ કાર્ય શીખવવામાં આવે છે. જેમાં હાથ પકડીને સોયમાં દોરી અને મોતી કઈ રીતે પોરવવા તે શીખવવામાં આવે છે. આ કાર્યમાં અમને અમારી શાળા અને શિક્ષકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે.-- આરતીબા ગોહિલ (રાખડી બનાવનાર વિદ્યાર્થીની, ભાવનગર)
આવી રીતે બને છે રાખડી : આ અંગે અંધ ઉદ્યોગશાળાના અધ્યક્ષ લાભુભાઈ સોનાણીએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, પ્રજ્ઞાચક્ષુઓ જે રીતે રાખડી બનાવે છે તે જોઈને તમે પણ અચંબીત થઈ જશો. સામાન્ય દ્રષ્ટિ નહીં હોવાથી તેઓ આંખોની નજીક લઈ જઈને સોયમાં દોરો પોરવે છે. ત્યારબાદ તે જ સોય મારફત તેમાં મોતી અને ટીકા વગેરે પણ પોરવે છે. આ પ્રજ્ઞાચક્ષુઓની કળા છે. નવા આવતા પ્રજ્ઞાચક્ષુઓને પણ ત્યાંના શિક્ષકો રાખડી બનાવવા માટે શીખવી રહ્યા છે. ગત વર્ષે 2022 માં અંધ ઉદ્યોગશાળાના 50થી વધારે વિદ્યાર્થીઓએ 20000 રાખડીઓ બનાવવામાં આવી હતી. તેને વેચીને એક લાખ જેવી કિંમતની કમાણી પણ કરી હતી. અંધ ઉદ્યોગશાળા દ્વારા સૌથી વધુ રાખડી બનાવનાર અને સારી કામગીરી કરનાર વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.
રેકોર્ડ બનાવશે : ભાવનગરની અંધ ઉદ્યોગશાળા દ્વારા રાખડી બનાવવા માટેનું સંપૂર્ણ મટીરીયલ્સ લાવી આપવામાં આવે છે. જેમાંથી પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનો અલગ-અલગ પ્રકારની રાખડીઓ બનાવે છે. જ્યારે રાખડીઓનો ખર્ચ, મટીરીયલ્સ સંસ્થા તરફથી આપવામાં આવતો હોય છે. માટે તેનાથી થતી આવક પણ સંસ્થાને અર્પણ કરે છે. પરંતુ સંસ્થા વિદ્યાર્થીઓની મહેનતના બદલે તેમને સ્ટાઇપેંડ પણ આપે છે. ગત વર્ષે બનાવેલી 20 હજાર રાખડીનો રેકોર્ડ તોડવા માટે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ 50,000 જેટલી રાખડીઓ બનાવવા જઈ રહ્યા છે. આમ, પ્રજ્ઞાચક્ષુ પોતાના જ કાર્ય સાથે હરીફાઈ કરવાના છે.