ભાવનગર : મહાનગરપાલિકાના કમિશનર એક મહિનાથી શહેરમાં ઝબલા, ઢોર, દબાણ સહિતની કામગીરીઓ બળપૂર્વક કરાવી રહ્યા છે. ત્યારે વહેલી સવારમાં ઘોઘા સર્કલના રાઉન્ડમાં નીકળેલા કમિશનર અમરલાલ બેકર્સ નામની દુકાનમાં પહોંચ્યા અને ઝબલા મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી હતી. કાર્યવાહી થતાની સાથે જ એક મહિના બાદ પ્રથમ એવા નગરસેવક કિશોર ગુરૂમુખાણી અને જોબનપુત્રા બંને પોતાના અનુયાયી માટે કમિશનર પાસે દોડી આવ્યા હતા. દુકાનદારની તરફેણમાં નગરસેવકે કમિશનરને દંડ ઓછો કરવા પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. નગરસેવકે જપ્ત કરેલા ઝબલા મંજૂરી વાળા હોવાનું જણાવતા કમિશનરે દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા. દુકાનદાર દસ્તાવેજી પુરાવો આપી નહીં શકતા અંતે દંડાત્મક કાર્યવાહી નગરસેવક સામે કરી હતી.
કમિશનરે શું કહ્યું : ઘોઘાસર્કલમાં અમરલાલ બેકર્સ દુકાને નગરસેવક સાથે થયેલી વિવાદાસ્પદ બાબતે કમિશનર એન. વી. ઉપાધ્યાય જણાવ્યું હતું કે, 75 માઇક્રોની મંજૂરી હતી. પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે 120 માઇક્રોન માટે મંજૂરી આપી છે. જોકે જે દુકાનમાંથી ઝબલાઓ મળ્યા છે તે બાયોપ્લાસ્ટ જેવી કંપનીના હતા. તે વાપરવાની મંજૂરી છે તેમ નગરસેવકે જણાવ્યું હતું. આથી મેં તેમની પાસે દસ્તાવેજી કોઈ આધાર માંગતા તેઓ આપી શક્યા નહોતા. આથી ધોરણસર કાર્યવાહી કરી હતી. પરંતુ નગરસેવકની રજૂઆત હતી એટલે ઝબલા પર આગળ વેરિફાઈ કરીને નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો : Traders Checking IN BMC : 75 માઇક્રોનના ઝબલા સહિતની સામગ્રીમાં ચેકીંગ કરનાર મનપાને વ્યાપારીનો ઠેંગો કેમ ? જાણો
ઝબલાઓ માન્ય હોવાનું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું : કમિશનરને રજૂઆત કરનાર નગરસેવક કિશોર ગુરૂમુખાણીએ જણાવ્યું હતું કે, 75 માઇક્રોની મંજૂરી નથી. પરંતુ 100 માઇક્રોની ઝબલાની મંજૂરી છે. આથી અમે કમિશનરને રજૂઆત કરી હતી કે, હાલમાં તેનો વિકલ્પ શોધવા માટે બે મહિનાનો સમય આપવામાં આવે. જોકે એમપીથી મંગાવેલા ઝબલાઓ માન્ય હોવાનું કાર્યપાલક ઇજનેરે જણાવતા વ્યાપારીઓ લાવ્યા હતા, પરંતુ હવે કાર્યપાલકને જ ખ્યાલ નહીં હોવાથી ઝબલા જપ્ત કરી લેવાયા છે. મારે કોઈ વિવાદ કમિશનર સાથે નથી થયો. પરંતુ હાલ કમિશનરને રજૂઆત કરી છે. અમને સમય આપવામાં આવે તો વ્યાપારીઓ સમજીને બિન ઉપયોગી ઝબલાઓ વેચાણ કરશે નહીં અને વિકલ્પ શોધશે.
આ પણ વાંચો : શાકભાજીના વેપારી પાસેથી દંડ વલૂસવા બાબતે ઝઘડો, 100 લોકોનું ટોળું આવતા AMCની ટીમ ભાગી
વિપક્ષનું શું કહેવું છે : આ મામલે વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના ભરત બુધેલીયાએ જણાવ્યું હતું કે, મારા 37 વર્ષના રાજકારણમાં ભાવનગરમાં ક્યારેય સફાઈ નથી થઈ તેવી સફાઈ હાલના કમિશનર કરી રહ્યા છે. વાત દંડની રહી તો નિયમ પ્રમાણે જે થતું હોય તે કરવું જ પડે. જોકે અમારી જાણમાં નથી કે આજનો મુદ્દો શું હતો કે શું વિવાદ સર્જાયો છે. પરંતુ નગરસેવકે કોઈની જો તરફદારી કરી હોય તો ના કરવી જોઈએ. જો કમિશનરએ લીધેલો દંડ પણ નિયમ અનુસાર ન હોય તો કમિશનરે તેમાં પણ વિચારીને પગલાં ભરવા જોઈએ.