- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને 32 મેન્ડેટ રજૂ કર્યાં
- કોંગ્રેસને હાઇકોર્ટમાંથી ચૂકાદો આવતા કોંગ્રેસે પોતાના મેન્ડેટ રજૂ કર્યાં
- મેન્ડેટ ફાડી નાંખવાનો મામલો અંતે સમેટાયો
ભાવનગર : પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખે કોંગ્રેસના આગેવાનો મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવા જઈ રહ્યાં હતાં. જે સમયે કોઈ અસામાજિક તત્વોએ ઝઘડો કરીને તમામ મેન્ડેટ ફાડી નાખ્યાં હતાં, જે બાદ કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે સખત શબ્દોમાં સૂચન કરતા ચૂંટણી કમિશનરે ફોર્મનો સ્વીકાર કરવા બાંહેધરી આપી હતી. જેથી કોંગ્રેસના આગેવાનોએ મંગળવારના રોજ ચૂંટણી અધિકારી સામે તમામ મેન્ડેટ રજૂ કરતા ચૂંટણી અધિકારીએ ચકાસણી બાદ તેનો સ્વીકાર કરી માન્ય રાખ્યાં હતાં. પાલીતાણા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના 32 મેન્ડેટનો સ્વીકાર કર્યો હતો.
ઉમેદવારો અને પોલીસ વચ્ચે ચકમક થઈ
કોંગ્રેસના મેન્ડેટ ફાડી નાંખવાના વિવાદને પગલે નગરપાલિકા કચેરી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ રજૂ કરવા મોટી સંખ્યામાં પહોંચતા પોલીસે તેમને અટકાવતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી, પરંતુ સ્થાનિક આગેવાનોએ ત્યાં ધસી જઈને મામલો થાળે પાડતા ક્રમાંક મુજબ વારાફરતી તમામ ઉમેદવારોને ફોર્મ રજૂ કરવા પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ચૂંટણી અધિકારીની કચેરી કમ્પાઉન્ડમાં જે રીતે મેન્ડેટ ફાડી નાંખવામાં આવ્યાં હતાં. જેમાં ચૂંટણીપંચ તેમજ પોલીસને પણ આ મામલે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા ફરિયાદ લેવા અને ફોર્મ સ્વીકાર કરવા માટે સૂચના આપી હતી. જે અનુસાર અમે આજે મેન્ડેટ રજૂ કરતા તેમને ફોર્મનો સ્વીકાર કર્યો છે.
પ્રવીણ ગઢવી (કોંગ્રેસ ઉમેદવાર)
હાઇકોર્ટની ટકોર બાદ ન્યાયના હિતમાં નિર્ણય કર્યો છે. તેને અમે આવકારીએ છીએ. તેમજ આ વિજય અમારો નહીં પાલિતાણાની જનતાનો વિજય છે. અમે આજે તમામ મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપતા તેમને મેન્ડેડનો સ્વીકાર કર્યો છે.
મહેન્દ્રસિંહ ભંડેરિયા (કોંગ્રેસ પ્રભારી)
મંગળવારના રોજ કોંગ્રેસ દ્વારા મેન્ડેટ સ્વીકાર કરવામાં આવ્યા છે. બુઘવારે મને ચૂંટણી આયોગ તરફથી આદેશ કરવામાં આવ્યો હતો, જેની સૂચના અનુસાર તમામ મેન્ડેટ ચકાસણી બાદ સ્વીકાર કરવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં 90 ઉમેદવારો માન્ય જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટીએ વૉર્ડ નંબર 6માંથી પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે.
જી. એસ. દવે (પાલિતાણા ચૂંટણી અધિકારી)
જાણો શું છે સમગ્ર ઘટના?
પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીમાં અજાણ્યા શખ્સો દ્વારા કોંગ્રેસના મેન્ડેટ ફાડી નખાયાં
ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ત્યારે કોંગ્રસે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેવા સંજોગોમાં પાલિતાણા નગરપાલિકા માટે કોંગ્રેસના તમામ ઉમેદવારોના મેન્ડેટ લઇને પાલિતાણા તાલુકાના પ્રમુખ કરણ મોરી પાલિતાણા નગરપાલિકા કચેરીએ જઇ રહ્યાં હતાં. ત્યારે જ નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં પહોંચતા જ કેટલાક શખ્સો દ્વારા તેમની પાસે રહેલા મેન્ડેટ આંચકી લઈ અને ફાડી નાખવામાં આવ્યાં હતાં.
પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો
પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હાઇકોર્ટમાં મેન્ડેટ ફાડી નાખવાના મામલે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
પાલિતાણા નગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસના 31 ફોર્મ રદ્દ થયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દિવસેને દિવસે માહોલ ગરમાઇ રહ્યો છે, ત્યારે પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ ફાડવાની ઘટના બાદ રાજકારણમાં ચકચાર મચી છે. બે દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ કોઈ અજાણ્યા શ્ખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યાં હતાં. જે બાદ ફોર્મ ચકાસણીના આખરી દિવસે કોંગ્રેસના 36 પૈકી માત્ર 5 ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે.