ભાવનગર : ભાવનગર શહેરના મધ્યમાં એક તળાવ આવેલું છે. જેની આસપાસ ઊંચા ઘટાદાર વૃક્ષો પણ છે. ત્યારે શહેરના મધ્યમાં ગંગાજળિયા તળાવની આસપાસના વૃક્ષો પર રાજા રજવાડા સમયથી પેઇન્ટેડ સ્ટોર્ક (Painted Stork) એટલે કે ઢોક બગલાની એક મોટી વસાહત વર્ષોથી છ મહિના માટે મહેમાન બને છે. પેઇન્ટેડ સ્ટોર્કના આગમનની શરૂઆત શિયાળાના પ્રારંભ પહેલા થાય છે. ત્યારબાદ છ મહિના સુધી તેઓ શહેરની વચ્ચે રહીને પ્રજનન કરે છે. જોકે, પેઇન્ટેડ સ્ટોર્ક ભાવનગરનું નજરાણું કહેવામાં આવે છે. આ પક્ષીને નજરાણું કેમ અને શા માટે કહેવામાં છે અને સ્થાનિક તંત્ર તેના માટે શું કરે છે, જાણો ETV BHARAT ના આ વિશેષ અહેવાલમાં...
પેઇન્ટેડ સ્ટોર્ક એટલે ઢોક બગલો : ભાવનગર શહેરના મધ્ય ભાગમાં વૃક્ષો પર સપ્ટેમ્બર માસથી પેઇન્ટેડ સ્ટોર્ક એટલે કે ઢોક બગલાનું આગમન થઈ જાય છે. આ પક્ષીની ચાંચ કેસરી કલરની, માથે કેસરી ટપકું હોય છે. આ બે થી અઢી ફૂટ પહોળું પક્ષી છે. આ પક્ષી બે ફૂટ થી વધારે લાંબા પગ ધરાવે છે. જ્યારે આખું પક્ષી સફેદ કલરનું અને કાળા લીસોટા વાળુ હોય છે. આ પક્ષીને ગુજરાતીમાં ઢોક બગલો કહેવામાં આવે છે. ત્યારે અંગ્રેજીમાં તેનું નામ પેઇન્ટેડ સ્ટોર્ક છે. આ ભાવનગર શહેરનું સ્થાનિક પક્ષી છે. તે જળમાં માછલીઓ અને જળસાપ આરોગીને પોતાનું જીવન ચક્ર ચલાવે છે. જોકે, પેઇન્ટેડ સ્ટોર્કની ખાસિયત છ મહિના દરિયાકિનારે અને છ મહિના ભાવનગર શહેરમાં વસવાટ કરવાની છે.
પેઇન્ટેડ સ્ટોર્કનું આગમન : ભાવનગરના પક્ષીપ્રેમી રાજુભાઇ બારડે આ પક્ષી અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું નાનો હતો ત્યારથી આ પક્ષીને જોઉં છું. એટલે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ પેઇન્ટેડ સ્ટોર્કને હું જોતો આવ્યો છું. સપ્ટેમ્બર માસમાં તેઓ આવે છે અને ફેબ્રુઆરી સુધી નેસ્ટિંગ કરીને બાદમાં ચાલ્યા જાય છે. જોકે તૌકતે વાવાઝોડામાં અનેક વૃક્ષો પડી ગયા હતા. જેને કારણે હાલમાં તેને નેસ્ટીંગ કરવામાં મુશ્કેલી જરૂર અનુભવાય છે. પરંતુ મહાનગરપાલિકા વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ થતું જ હોય છે. આમ છતાં પણ જો મોટી સંખ્યામાં હજુ ગંગાજળિયા તળાવ આસપાસ વૃક્ષોનો ઉછેર કરવામાં આવે. જે મોટા થાય અને ઘટાદાર હોય તો આ પક્ષીઓ ભાવનગરમાં હંમેશા મહેમાન બનીને આવતા રહેશે.
ગંગાજળિયા તળાવ : કહેવાય છે ભાવનગર શહેરનો પાયો નખાયો તેની પહેલા વડવા ગામનું તળાવ એટલે કે જે હાલનું ગંગાજળિયા તળાવ છે. તેની આસપાસ અનેક વૃક્ષો હતા. આ વૃક્ષો ઉપર ઢોક બગલા વર્ષોથી આવીને માળા બનાવે છે. એટલે કે પેઇન્ટેડ સ્ટોર્કનો સપ્ટેમ્બર માસથી પ્રજનન કાળનો પ્રારંભ થાય છે. આથી મોટી સંખ્યામાં આશરે હજાર થી બે હજાર પેઇન્ટેડ સ્ટોર્ક ગંગાજળિયા તળાવની આસપાસ જોવા મળે છે. જોકે, વડવા ગામ હવે રહ્યું નથી. પરંતુ શહેરના નિર્માણ બાદ શહેરની વચ્ચે વડવાનું તળાવ આજે ગંગાજળિયા તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો હોવાથી આજે પણ પેઇન્ટેડ સ્ટોર્કની મોટી કોલોની વસવાટ કરે છે.
હું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ પેઇન્ટેડ સ્ટોર્કને હું જોતો આવ્યો છું. સપ્ટેમ્બર માસમાં તેઓ આવે છે અને ફેબ્રુઆરી સુધી નેસ્ટિંગ કરીને બાદમાં ચાલ્યા જાય છે. જોકે તૌકતે વાવાઝોડામાં અનેક વૃક્ષો પડી ગયા હતા. જેને કારણે હાલમાં તેને નેસ્ટીંગ કરવામાં મુશ્કેલી જરૂર અનુભવાય છે.-- રાજુભાઇ બારડ (પક્ષીપ્રેમી)
ઢોક બગલાનો વસવાટ : ભાવનગર શહેરની મધ્યમાં ગંગાજળિયા તળાવમાં માછલીઓ પેઇન્ટેડ સ્ટોર્કનો ખોરાક છે. આસપાસ શહેરના મધ્યના મહિલાબાગ, સરદારબાગ (પિલગાર્ડન), મોતીબાગના મોટા વૃક્ષોને કારણે પેઇન્ટેડ સ્ટોર્ક તેના ઉપર જ માળાઓ (Nest) બનાવે છે. સપ્ટેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી સુધીના કાળ દરમિયાન ઈંડાઓ મૂકીને બચ્ચાઓ પણ થઈ જાય છે. બાદમાં તેઓ ઉડી જાય છે. ભાવનગર શહેરમાં સપ્ટેમ્બર માસથી ગંગાજળીયા તળાવની આસપાસના રસ્તા ઉપર નીકળતા જ વૃક્ષો ઉપર પેઇન્ટેડ સ્ટોર્કની કોલોની એક પર્યાવરણની અનુભૂતિ કરાવે છે.
વન વિભાગની કામગીરી : ઉતરાયણ જેવા તહેવારમાં પેઇન્ટેડ સ્ટોર્કને ઇજા થતી હોય છે. ભાવનગર વન વિભાગના અધિકારી દિવ્યારાજસિંહે જણાવ્યું હતું કે, પેઇન્ટેડ સ્ટોર્કની કોઈ ખાસ ગણતરી થતી નથી કે કોઈ અન્ય કામગીરી નથી. પરંતુ કોઈ ઈજાગ્રસ્ત થાય તો તેને સારવાર માટેની સંપૂર્ણ જવાબદારી વન વિભાગ લેતું હોય છે. વિક્ટોરિયા હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવે છે.