ભાવનગર: બિપરજોય વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં યોજવામાં આવેલી અલગ અલગ વિભાગોને ટીમો યથાવત રહી છે. જે રીતે વાવાઝોડું કચ્છ તરફ ધકેલાયું છે તે જોતા ભાવનગર દરિયાકાંઠે પણ કરંટ ઓછો જોવા મળી રહ્યો છે. પવનની ગતિમાં પણ ઘટાડો આવ્યો છે. જેને લઇને સ્થાનિક વહીવટી તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો છે. જો કે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે ત્યારે હાલમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ ભાવનગરમાં વરસી રહ્યા છે.
દરિયાકાંઠાની સ્થિતિ: જિલ્લામાં આવેલો આશરે 100 કિલોમીટર લાંબા દરિયાકાંઠા ઉપર પરિસ્થિતિ જોવા જઈએ તો દરિયામાં કરંટ ઓછો જોવા મળી રહ્યો છે. ઘોઘા, અલંગ, સરતાનપર, ગોપનાથ મહુવા, ઉંચા કોટડા જેવા દરિયા કિનારા ઉપર દરિયામાં કરંટ ઓછો જોવા મળી રહ્યો હોવાથી મોજા ઉછળવાનું ઓછું થયું છે. પરંતુ સાથે પવનની ગતિ પણ મંદ પડી હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. વાવાઝોડું કચ્છ તરફ ધીરે ધીરે આગળ ધકેલાતા ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા ઉપર પવનની ગતિ ઘટતી જોવા મળી છે અને દરિયામાં મોજા ઉછાળવાની પ્રક્રિયા પણ ધીમી પડી ગઈ છે.
'ભાવનગર શહેરમાં બનાવેલી વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, પોલીસ તંત્ર વગેરેની ટીમો સોંપવામાં આવેલી કામગીરી યથાવત રહી છે અને એલર્ટ મોડ ઉપર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પવનની ગતિ 20 થી 25 કિલોમીટરની છે. ભાવનગર હાલ ગ્રીન ઝોનમાં છે માટે ભારે વરસાદને લઈને પણ કહી શકાય નહીં.' -એસ.એન વાળા, ડિઝાસ્ટર મામલતદાર
દરેક વિભાગની ટીમો યથાવત: ભાવનગર તાલુકામાં વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ વગેરે વિભાગોની ટીમ એલર્ટ મોડ પર યથાવત છે જેમાં 18 વ્યક્તિઓની ત્રણ ટીમ, ઘોઘા તાલુકામાં 36 વ્યક્તિઓની છ ટીમ, મહુવા તાલુકામાં 69 લોકોની 10 ટીમ, તળાજા તાલુકામાં 37 લોકોની સાત ટીમ મળીને સમગ્ર તાલુકાના વીજળીના 962 થાંભલાઓ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 232 જેટલા મજૂર તૈયાર રાખવામાં આવ્યા છે.
'વાવાઝોડાને લઈને ભાવનગરને સ્પર્શે છે ત્યાં સુધી જો વાત કરીએ તો આપણે વાવાઝોડાની સીધી ઇફેક્ટમાં આવતા નથી. જો કે ગઈ કાલે પવનની ગતિ વધારે હતી જે આજે ઘટી જવા પામી છે. અમે ભાવનગર પોર્ટની પણ મુલાકાત લીધી હતી એટલે તે સામાન્ય ચોમાસામાં પવનની ગતિ રહે છે તે જ જોવા મળી છે. એટલે ભાવનગરવાસીઓ માટે ચિંતાની હવે કોઈ વાત નથી.' -આર.કે મહેતા, કલેકટર,ભાવનગર
બે દિવસથી વાદળછાયું વાતાવરણ: ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે. સમયના અંતરે વાદળો વરસાદ વરસાવી જાય છે અને બાદમાં ફરી વાતાવરણ ખુલ્લું કરી જાય છે. આમ ભાવનગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું રહેવા પામ્યુ છે. જેમાં વરસાદી ઝાપટાઓ વરસી રહ્યા છે.જો કે વાદળો અને વરસાદની સાથે ક્યારેક પવનનું જોર પણ જોવા મળી રહ્યું છે. પરંતુ છેલ્લા બે દિવસમાં પવની ગતિ પણ મંદ પડી છે. ત્યારે આગામી દિવસોમાં ભરવા વરસાદનો ખતરો છે કે કેમ તે જોવું રહ્યું.