ભાવનગરના યાર્ડમાં ડુંગળીના ભાવો બે દિવસમાં અધધધ 1000 રૂપિયા સુધી ઉતરી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આયાત બાદ પુના મહારાષ્ટ્રની ડુંગળી બજારમાં આવતા ભાવનગરમાં ભાવ નીચા ગયા ત્યારે ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો છે.
ભાવનગર જિલ્લામાં ડુંગળીના ઓછા ઉત્પાદનને પગલે 20 કિલોના ભાવ રૂપિયા 2000 સુધી પહોંચી ગયા હતા. ખેડૂતોને આશા હતી કે ઉત્પાદન ભલે ઓછું હોય પરંતુ ભાવ ઊંચા મળવાથી ખર્ચ નીકળી જશે. પરંતુ સરકારે આયાત શરૂ કર્યા બાદ મહિના પછી હવે પુના અને મહારાષ્ટ્રની ડુંગળી બજારમાં આવતા ભાવનગરમાં ભાવ નીચા જતા રહ્યા છે.
ડુંગળીની યાર્ડમાં આવક હાલ 1 લાખ ઉપર ગુણીની હોવાના બદલે 11 હજાર આવક છે, પરંતુ આયાત અને પુના મહારાષ્ટ્રની ડુંગળી બજારમાં આવતા 2000ની ડુંગળી 1000 આસપાસ માત્ર 2 દિવસમાં પહોંચી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે એક મહિનો પૂનાની ડુંગળીની આવક નહોતી. ત્યારે ભાવો મળી શકે તેમ હતા પરંતુ સરકારે આયાત કરીને દુઃખી ખેડૂતને વધુ દુઃખી કરવાનું કામ સરકારે કર્યું છે.