ભાવનગર: શહેરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામ શરૂ કરાયું હતું. પહેલા ફોન પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતને હરરાજી માટે બોલાવવામાં આવતા હતા. ડુંગળીની ખરીદી કરવા કોઈ તૈયાર નથી. હાલ ડુંગળી ખરીદનારા લોકોનો અભાવ હોવાથી હવે નવા રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યા છે.
જો કે, રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોમાં 947 ખેડૂત લટકી પડ્યા છે. જે કારણે નવા રજીસ્ટ્રેશન ખરીદી નીકળે નહિ ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ઘઉંનું ફોન પર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. શાકભાજીની હરરાજી શુક્રવાર તથા મંગળવારે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
2,269 ખેડૂતોનું ભાવનગર યાર્ડમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં 1322 ખેડૂતોની ડુંગળીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 5 મેંના રોજ નવી ડુંગળીનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. 5 મેંના રોજ બોલાવેલા 300 ખેડૂત પૈકી 200 ખેડૂતની ડુંગળી માત્ર 2 વેપારી દ્વારા ખરીદી કરવામાં આવી હતી. જેમાં પણ 100 ખેડૂતની ડુંગળી પડી રહેશે. તેની હરાજી આગામી દિવસોમાં કરવામાં આવશે. તેમજ 2269 રજીસ્ટ્રેશન પૈકી બાકી રહેતા 947 ખેડૂતોની ડુંગળીની આગામી 10 દિવસમાં હરરાજી કરી દેવામાં આવશે.
હરાજી બંધ કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે, હરરાજી બંધ શા માટે થઈ છે. હરાજી બંધ કરવા પાછળનું કારણ એ છે કે, ખરીદનાર કોઈ રહ્યું નથી. અન્ય રાજ્યમાં વાહનો જતા નથી. અને ખરીદી થતી નથી જે કારણે યાર્ડ દ્વારા વેપારીઓની માંગ ઉઠે નહિ ત્યાં સુધી કોઈ નવું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. આ સાથે લીંબુમાં પણ એ જ પરિસ્થિતિ સર્જાતા લીંબુની હરરાજી પણ બંધ કરી દેવામાં આવી છે.
ભાવનગર યાર્ડમાં આગામી દિવસોમાં માત્ર ઘઉં અને શાકભાજીની હરાજી કરવામાં આવશે. આ હરરાજી અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે. શાકભાજીની હરાજી શુક્રવાર અને મંગળવારે બંધ રાખવામાં આવશે. જ્યારે ઘઉંની હરાજી સોમવારે અને ગુરૂવારે બોલાવવામાં આવશે.