ભાવનગર શહેરમાં ધોળા દિવસે આધેડની હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ વશરામભાઈ મેઘાણીને તેમના ઘર નજીક અજાણ્યા ચાર શખ્સોએ તિક્ષણ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
અગાઉ કેટલાક લોકોએ જૂની અદાવતે બાપ અને તેમના દીકરાઓને મારી નાખવાની ધમકીઓ આપી હતી. વારંવાર ધમકી આપ્યા બાદ હત્યારાઓ આજે પિતાને મોતને ઘાટ ઉતારતા આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. બનાવ બાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો આવી પોહચ્યો હતો. કડીયા કામ કરતા 57 વર્ષીય ભરતભાઇની હત્યા બાદ પોલીસે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.
નોંધનીય છે કે, હત્યારાઓ છેલ્લા ત્રણેક મહિનાથી મૃતક અને તેમના પુત્રોની હત્યા કરવાની ફિરાકમાં હતાં. આ અંગે મૃતકના પરિવારે પોલીસ સ્ટેશનમાં ધમકી મળ્યાની જાણ પણ કરી હતી. છતાં હત્યારાઓ હત્યા કરીને ભાગી છૂટ્યા છે.