ભાવનગરઃ લદ્દાખમાં ગલવાન ઘાટી પર શહીદ થયેલા ભારતીય સૈનિકોને કથાકાર મોરારિબાપુ દ્વારા રુ.20 લાખની સહાયતા કરવામાં આવી છે. ગત થોડા દિવસો પૂર્વે ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તેમજ અનેક સૈનિકો ઘાયલ પણ થયા હતા. આ હિંસક અથડામણ બાદ ચીન પ્રત્યે દેશભરમાં રોષ અને ફિટકારની લાગણી ફેલાઇ જતા ચીન વિરુદ્ધ દેખાવો અને ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તેમજ શહાદત પામેલા વીર જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલીઓ અર્પિત કરવામાં આવી રહી છે.
રામકથાકાર મોરારીબાપુએ પ્રત્યેક શહીદના પરિવારજનોને રૂપિયા 1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેની કુલ રકમ વીસ લાખ થશે. આ રાશી રામકથાના શ્રોતા દ્વારા શહીદ સૈનિકોના પરિવારજનોને તેમના બેંક એકાઉન્ટ દ્વારા પહોંચતી કરવામાં આવશે. દેશ અને માતૃભૂમિની રક્ષા માટે શહીદીને વરેલા આ સૈનિકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. તેમજ ઘાયલ સૈનિકો ઝડપથી તેમનું સ્વાસ્થ્ય પુન:પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.