ભાવનગર: ભાવનગર શહેરમાં કોરોના દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ અત્યાર સુધીમાં 1566 કોરોના દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. તો બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ 1096 પર પહોંચી છે. આથી શહેરની રેડક્રોસ સંસ્થા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પ્લાઝ્મા દાન કરવાની અપીલ કરવામાં આવી છે.
ભાવનગર ખાતે આઈ.ટી. એન્જીનીયર તરીકે ફરજ બજાવતા મૂળ સાવરકુંડલાના વતની વંદનભાઈ વેકરિયા થોડા દિવસ પૂર્વે કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયા હતા. સ્વસ્થ થવાના 28 દિવસ બાદ રેડક્રોસ સોસાયટીની અપીલના અનુસંધાને તેમણે રેડક્રોસનો સંપર્ક કરીને પ્લાઝમા ડોનેશન કરવાની તૈયારી દર્શાવતા ભાવનગર સર.ટી.હોસ્પિટલ બ્લડબેન્ક ખાતે પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રેડક્રોસના વાઇસ ચેરમેન સુમિત ઠક્કર, બ્લડબેન્કના ડૉ. પ્રગ્નેશભાઈ શાહ, રાજેશભાઈ પંડ્યા, રેડક્રોસના મેડિકલ ઓફિસર ડૉ. કશ્યપ અધવર્યુંએ ઉપસ્થિત રહીને વંદનભાઈને શુભેચ્છાઓ આપી હતી. વંદનભાઈ વેકરિયા દ્વારા પ્લાઝમા ડોનેશન કર્યા બાદ 28 દિવસે સ્વસ્થ દર્દીઓ પોતાનું પ્લાઝમા ડોનેશન કરે અને રેડક્રોસનો સંપર્ક કરે તેવી અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના થર્ડ સ્ટેજના ગંભીર દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપી ઉપયોગી સાબિત થઈ રહી છે. આ એક એવુ કાર્ય છે જેના દ્વારા કોરોના મહામારીનો એકસાથે મુકાબલો કરી સંક્રમણ પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે.