ભાવનગર: જિલ્લાની નંદકુવરબા કોલેજમાં 'ફિયેસ્ટા 2023' અંતર્ગત ફેશન શોનું આયોજન કરવાામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ ભારતીય સંસ્કૃતિને છતી કરવાની ભાવના સાથે રજવાડા સમયના પહેરવેશને દેશી સ્ટાઇલમાં પ્રસ્તુત કરી કેટવોક કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ ભારત અને સૌરાષ્ટ્રના પહેરવેશોને પણ પશ્ચિમની ફેશન શોમાં કઈ રીતે સામેલ કરી શકાય તે પ્રકારનો સંદેશ પાઠવ્યો હતો.
નવા લૂક સાથે ફેશન શો: નંદકુંવરબા મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની કલાને દર્શાવવામાં આવી હતી. ત્યારે ફેશન શો કે જે પશ્ચિમી સંસ્કૃતિનું એક પાસું કહેવામાં આવે છે. તેમાં ભારતીય સંસ્કૃતિને ઉમેરીને વિદ્યાર્થીનીઓએ ભારતની સંસ્કૃતિ પ્રત્યેની લાગણી છતી કરી હતી. કોલેજમાં યોજાયેલા ફેશન શોમાં પશ્ચિમી સંસ્કૃતિના પહેરવેશ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિના પહેરવેશના સથવારે વિદ્યાર્થીનીઓએ નવા લૂક સાથે ફેશન શોમાં સ્થાન મેળવ્યું હતું.
'અમે ત્રણ દિવસનો ફિયેસ્ટા એટલે કે યુવા મહોત્સવ છે તેમાં આજનો ફેશન શો છે તેમાં ભાગ લીધો છે. ફેશન શોમાં વેસ્ટર્ન તો બધા કરે છે પણ અમે નવું કર્યું છે. સોરઠનું અમારા ગ્રુપનું નામ છે LOOK OF SORATHI. તેમાં અમે આહીર આહીરાણીના કપડા પહેરી નવો પ્રયોગ કર્યો છે.' - બંસી, વિદ્યાર્થીની
'નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે તારીખ 1થી લઈને 3 નવેમ્બર સુધી ફિયેસ્ટા 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25થી વધુ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જો કે આ સાથે રંગોળી, નિબંધ, લોકગીત, લઘુ નાટક, પોસ્ટર મેકિંગ, સોલા ડાન્સ, તાવડી પેઇન્ટિંગ, રસ્સા ખેંચ, કાર્ટુનીંગ, કાવ્ય પઠન, લાઈવ હેર સ્ટાઇલ, ગ્રુપ ડાન્સ, હોલીવુડ જલસો, ભજન, ફિલ્મી અંતાક્ષરી, એકાંકી, ગઝલ, લગ્ન ગીત, ફેશન શો, એક પાત્રીય નાટક, શ્લોક ગાન, પંજા દાવ, તત્કાલ ચિત્ર, ડબ્બા દાવ, ઇન્સ્ટન્ટ ફોટોગ્રાફી, ડિબેટ, નેઇલ આર્ટ, મહેંદી, ક્યુટ ડાન્સ, આરતીની થાળીનો શણગાર અને ફોક ડાન્સ જેવા અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.' - ભરતસિંહ ગોહિલ (ટ્રસ્ટી, નંદકુવરબા મહિલા કોલેજ, ભાવનગર)