ભાવનગર: ભારતમાં વર્ષો પહેલા એક સમયે હાથીદાંતના બનતા ઘરેણાઓ પહેરવાનું ચલણ હતું. જોકે વન્ય પ્રાણી અધિનિયમ મુજબ વન્ય પ્રાણીઓને લઈને કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા જેને પગલે હાથીદાંતના ઘરેણા ઉપર પ્રતિબંધ લાગી ગયો હતો. ભાવનગરમાં આશરે 40 વર્ષ જૂના હાથીદાંતના બનેલા ટુટેલા ઘરેણા અને પાવડર મળી આવતા ભાવનગર એલસીબી પોલીસે એક શખ્સને ઝડપીને વન વિભાગને સોંપી દીધો છે. વન વિભાગે હાથીદાંતની ચીજ વસ્તુઓને લઈને ધોરણસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ: ભાવનગર શહેરમાં રાંધનપુરી બજારમાં શરદચંદ્ર અમૃતલાલ મણિયાર બંગડી બનાવવાની દુકાનના માલિક રાજેન્દ્ર શરદચંદ્ર મણિયાર પાસેથી એક બ્લુ કલરની થેલીમાં હાથી દાંત હોવાની બાતમી મળી હતી. જેને પગલે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દુકાનમાં તપાસ કરતા હાથીદાંતની બંગડી અને ચુડીઓ તૂટેલી હાલતમાં મળી આવી હતી. નિયમ પ્રમાણે રાજેન્દ્ર શરદચંદ્ર મણીયારને ઝડપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
'રાંધનપુરી બજારમાંથી એક દુકાનમાં રાજેન્દ્ર શરદચંદ્ર મણીયાર પાસેથી બ્લુ કલરની થેલીમાં 6.800 ગ્રામ બંગડી,ચુડીઓ તૂટેલી અને એક કિલો 1.200 ગ્રામ પાવડર ઝડપ્યા હતા. જે હાથીદાંતના હોવાનું જણાતા તારીખ 2-6-2023 ના રોજ વન્ય પ્રાણીને લગતો ગુન્હો હોવાથી ભાવનગર વનવિભાગને સોંપી આપ્યા છે. સમગ્ર મુદ્દામાલની તપાસ કરવા નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.' -ડી આર સરવૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભાવનગર
આરોપીને કોર્ટમાં રજૂ કરાશે: ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા રાજેન્દ્ર શરદચંદ્ર મણીયાર સાથે મૌખિક વાતચીત દરમ્યાન તેણે ETV BHARATના પ્રતિનિધીને જણાવ્યું હતું કે આ વસ્તુઓ તેમના વડવાઓ બંગડી બનાવવાનું કામ કરતા આવ્યા છે તે સમયની છે. હાથીદાંતની તૂટેલી બંગડી અને ચુડી આશરે 40 વર્ષ જૂની છે. તેઓ 25 વર્ષથી દુકાનમાં બેસે છે. તેઓના વડવાઓ દ્વારા રાખી મૂકવામાં આવેલો મુદ્દામાલ છે. ભાવનગર વન વિભાગ દ્વારા દરેક ચીજોના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેથી કરીને તે આથી દાંતની છે કે કેમ તેની ચકાસણી ચોક્કસપણે થઈ શકે. હાલ ગુન્હો નોંધીને પકડાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.