ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશન ખાતે આજે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં લિફ્ટ અને બોટલ ક્રશિંગ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર રેલ્વે ટર્મિનસ કે જેમાં પ્લેટફોર્મ નં. 1 અને 2 આવેલા છે. જેમાં 1 નંબર પરથી 2 નંબર પરના પ્લેટફૉર્મ પર જવા માટે લોકોને આજદિન સુધી ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો. જેથી વડીલો, વૃદ્ધો, અપંગ અને દર્દીઓને એક પ્લેટફોર્મથી બીજા પર જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ બાબતને ધ્યાને રાખી રેલવેતંત્ર દ્વારા પેસેન્જરોની સુવિધામાં વધારો કરી રૂપિયા 1 કરોડના ખર્ચે બંને પ્લેટફોર્મ પર ઉપર-નીચે જઈ શકાય તે માટે લિફ્ટ અને તેના ટાવર ઉભા કરી તેના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદની સાથે મેયર અને ડે મેયર સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો જોડાયા હતાં.
તક્તીનું અનાવરણ અને લીફ્ટની રીબીન કાપી લોકો માટે લિફ્ટ ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં 20 લોકો એકી સાથે અવર-જવર કરી શકશે, ત્યારબાદ રેલ્વે ટર્મિનસ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત પ્લાસ્ટિક ક્રશિંગ બોટલ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકોને લિફ્ટમાં અવરજવર કરાવવા માટે એક ખાસ વ્યક્તિ પણ તેમાં રાખવામાં આવશે. જયારે લોકોને પણ તેમની આ સુવિધાની જાળવણી કરવા સાંસદે તાકીદ કરી હતી.