ભાવનગર: શહેરમાં દેસાઈનગર થી લઈને આખલોલ જકાતનાકા સુધી 30 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા સિક્સલેન રોડ બનાવવામાં આવ્યો છે.પરંતુ સર્વિસ રોડ એક તરફ 80 ટકા નથી, તો બીજી તરફ 20 ટકા નથી. ત્યારે 20 ટકા તરફ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. મહાનગરપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, ભાવનગર રાજકોટ રોડ 45 મીટરના રસ્તા ઉપર જે દબાણો આવેલા હતા, તે ચિત્રા ગામ તળ વિસ્તારના હેઠળના હતા, તેને ટાઉન ડેવલપમેન્ટ દ્વારા નોટિસ આપેલી હતી. ત્યાર બાદ જાતે દૂર કરવા માટે સમય માંગેલો પણ તે સમયમાં દૂર નહીં થતા કમિશનરની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દબાણ બાદ સિક્સલેનનો બાકીનો ભાગ બનાવવામાં આવશે. લગભગ 30 મકાન હોવાનો અંદાજ છે. સ્થાનિકોમાં થોડો સમય આપવાનો વિવાદ હોય જેને લઇ થોડી ઘણી ચર્ચા બાદ અંતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
![ભાવનગરમાં સિક્સ લેનની કામગીરી દરમિયાન દબાણ હટાવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-01-2024/rgjbvn12dabansikslenrtuchirag7208680_17012024203337_1701f_1705503817_941.jpg)
મકાનો અને દેવ સ્થાનો દૂર કરાયા: ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સિક્સલેનના સર્વિસ રોડ માટે મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાએ કાર્યવાહી કરતા વિપક્ષના કુંભારવાડાના પૂર્વ નગરસેવક અરવિંદભાઈ અને મહિલા કોંગ્રેસના નેતા દર્શનાબેન દોડી આવ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાટાઘાટો કર્યા બાદ પણ મહાનગરપાલિકાએ પોતાની કાર્યવાહી શરૂ રાખી હતી. સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. રામદેવપીર ભગવાનનું મંદિર અને મામાદેવનો ઓટલો દબાણ હેઠળ હટાવવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા રજુઆત છતાં પણ મહાનગરપાલિકાની કાર્યવાહીને પગલે રોષ ઠાલવવામાં આવ્યો હતો.
![ભાવનગરમાં સિક્સ લેનની કામગીરી દરમિયાન દબાણ હટાવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-01-2024/rgjbvn12dabansikslenrtuchirag7208680_17012024203337_1701f_1705503817_738.jpg)
લોકો થયાં બેઘર: ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરતા જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, અને અધિકારીઓ સાથે વાટાઘાટો કરીને થોડીક માંગ મૂકી હતી. ત્યારે ભોગ બનનાર શાહરુખ આરીફભાઈએ જણાવ્યું હતું કે, વિરોધ અમારો સરકાર સામે એવો કોઈ નહોતો, પણ અમારી માંગ એટલી હતી કે રસ્તો થોડો ટુંકો કરવામાં આવે અને માપ બદલવામાં આવે તો અમારા મકાનો બચી જાય. અમારી લાઈનમાં 27 લોકોના મકાન ગયા છે, બધા ઘર બહાર વગરના થઈ ગયા છે. કોઈ પાસે રહેવાનો આધાર રહ્યો નથી. અમને 28 તારીખે નોટિસ આપી હતી. અમે કમિશનરને અરજી પણ કરી હતી. આમ છતાં પણ ઘર પાડી નાખવામાં આવ્યા છે. અપેક્ષા છે કે બંને તરફ સરખી કાર્યવાહી થાય.