- ગરમીની સાથે જ ટોપીના વેચાણમાં ધરખમ વધારો
- ભાવનગરમાં કોરોના બાદ ટોપીઓનું માર્કેટ ખુલ્યું
- 30થી લઈને 100 રૂપિયા સુધીની ટોપીઓ વેચાય છે
ભાવનગર: શહેરમાં ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ હાલથી થવા લાગ્યો છે. ઘરમાં મોડી રાત સુધી બફારો અને દિવસે બહાર નિકળવા માટે વિચારવું પડે છે. ત્યારે બહાર ફરતા લોકો માટે આગામી દિવસોમાં ગરમીમાં રાહત આપવાનું કામ "ટોપી" કરે છે. હાલમાં રંગબેરંગી ટોપીઓ ભાવનગરના બજારમાં આવી ગઈ છે.
કોરોના બાદ ટોપીઓના બજારો ખુલવાના શરૂ
ભાવનગર શહેરના મુખ્ય બજારમાં જતા હવે કલરે કલરની ટોપીઓ રસ્તાઓ પર ફેરિયાઓ લઈને બેઠેલા જોવા મળશે. કારણ કે, ગરમીનો પારો વધી રહ્યો છે અને માથાને રક્ષણ આપવું ખૂબ જરૂરી છે. ભાવનગરની ગંગા ડેરી પાસે લાઈનમાં ઉભેલા ટોપી વેચનારાઓ કહે છે કે, કોરોનામાં ધીરે ધીરે ટોપીના બજારો ખુલી રહ્યા છે. સાદી ટોપીથી લઈને સારામાં સારી ટોપીની બોલબાલા રહે છે. 30 રૂપિયાથી લઈને 100થી વધુની કિંમતની ટોપી વેચાઈ રહી છે. ટોપી પહેરનારા કે ન પહેરનાર હવે ખરીદી કરવાની શરૂઆત કરી છે.
ટોપીની જરૂરિયાત શા માટે?
જ્યારે ગરમીનો પારો 40 ડીગ્રીની ઉપર જાય ત્યારે માણસ પર તડકાની સીધી અસર તેના માથા પર થાય છે. જેના પગલે શરીરનું પાણી ખાલી થાય છે અને વારંવાર પાણીની જરૂર પડે છે. શરીરનું તાપમાન વધવાથી ચક્કર આવવાની શક્યતાઓ રહેલી છે. આથી જો ટોપી પહેરેલી હોય તો તાપ ઓછો લાગે છે અને ગરમીથી થોડી ઘણી રાહત મળી રહે છે.