ભાવનગર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા ૩ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે ડેમોમાં પાણીથી છલકાતા પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલી ઉભી થઇ છે. તો બીજીતરફ રાજ્યના ધોરી માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રંઘોળા, ઘેલો ડેમ તેમજ કાળુભારમાંથી પાણી છોડવામાં આવતા ભાલ પંથકના દેવળયા, સવાઈનગર, પાળીયાદ ગામડાઓ બેટમાં ફેરવાતા ગ્રામજનોને ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા ગ્રામજનોની ઘરવખરી તેમજ પશુઓ માટેનો ઘાસચારો પાણીના વહેણમાં તણાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. તો બીજી તરફ ગામમાં પાણી કેડ સમા ભરાઈ જતા 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નદીઓના ઘસમસતા પ્રવાહના કારણે એક ગામથી બીજા ગામ તરફના રસ્તાઓ બંધ થઇ જતા ભાલ પંથકના કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
તેમજ ભારે પાણીની આવક થતા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ગામ લોકોને સલામત સ્થળે ખસેડી સ્થળાંતર કરેલા લોકો માટે ભોજન તેમજ રહેવા માટેની વ્યવસ્થા કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.