ભાવનગર: ભાવનગર પાલીતાણા જૈનતીર્થનગરીમાં છ ગાઉ યાત્રાનો વહેલી સવારે જય આદિનાથ દાદાના ઘોષ સાથે પ્રારંભ થયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૈન ભક્તો યાત્રામાં જોડાયા હતા. છ ગાઉં યાત્રામાં અંદાજે 50 હજાર ભાવિકો આસ્થાભેર જોડાયા હોવાનું અનુમાન છે. શું છે છ ગાઉ યાત્રાનું મહત્વ અને લોકવાયકા જાણો...
યાત્રાનું મહત્વ અને ભગવાન શ્રીકૃષ્ણની પેઢીનું જોડાણ: પાલીતાણાના શેત્રુંજય પર્વત સાથે ભગવાન શ્રીકૃષ્ણની પેઢીનું માહાત્મ્ય જોડાયેલું છે. જૈન ધર્મમાં અંતિમ તીર્થકર મહાવીર સ્વામી ભગવાન અગાઉ પાર્શ્વનાથ ભગવાન અને તેમના પહેલા નેમીનાથ ભગવાન થઇ ગયા હતા. જૈન ધર્મના નેમીનાથ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવના પિતરાઇ ભાઇ હોવાની લોકવાયકા છે.
ભગવાન શ્રી કૃષ્ણના પુત્રોની સાધના શેત્રુંજય પર્વત પર: ભગવાન શ્રીકૃષ્ણના બે પુત્રો શાંબ અને પ્રદ્યુમને નેમીનાથ ભગવાન પાસે દિક્ષા અંગીકાર કરી હતી. નેમીનાથ ભગવાને તેઓને શેત્રુંજય ગીરીના અને સદભદ્ર નામના શિખરનો મહીમા વિષે અવગત કરાવ્યો હતો કારણ કે શાંબ-પ્રદ્યુમન મુનીઓ સાથે સાધના કરવા શત્રુંજય આવ્યા હતા. સદભદ્ર શિખર ઉપર તેમને મુનીઓ સાથે અનશન આચર્યું હતું અને ત્યારબાદ બધા મુનીઓ સાથે બે ભાઇઓ ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષની સ્થિતિમાં ગયા હતા. આ ગતના બાદ ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છ ગાઉની યાત્રાનું મહિમા અને મહત્વ ખુબ વધી ગયું હતું.
શેત્રુંજય પર્વત સાથે ભાંડવા ડુંગરનું મહત્વ: ભગવાન શ્રીકૃષ્ણ પુત્ર શાંબ અને પ્રદ્યુમને મુનીવરો સાથે જે શીખર ઉપરથી નિર્વાણ પ્રાપ્ત કર્યુ તેનું નામ સદભદ્રગીરી હતુ. પરંતુ અત્યારે ભાંડવાના ડુંગર તરીકે ઓળખાય છે. તેનું કારણ એ હતું કે શાંબ અને પ્રદ્યુમન શ્રીકૃષ્ણના ભાંડુ (સંતાન) હતા. જેનું અપભ્રંશ થતા આજે તેને ભાંડવાનો ડુંગર કહેવામાં આવે છે.
છ ગાઉની પ્રદક્ષિણા: આથી આગળ બે માઇલ જતા ભાંડવાનો ડુગર આવે છે આ શિખર ઉપર એક દેરીમા એક શ્રી આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્નઘના બે ચરણપાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે ત્યા ચૈત્યવંદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ એટલે નાની જુની તળેટી છે.
50 હજારથી વધુ યાત્રિકો જોડાયા હોવાનું અનુમાન: ભાવનગર પાલીતાણા છ ગાઉ યાત્રામાં આશરે 50 હજારથી વધુ યાત્રિકો જોડાયા હોવાનું અનુમાન છે. આશરે 3500 પગથીયા થી વધુની યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ ભેર જોડાયા હતા. આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજર અપૂર્વભાઈ શાહે જણાવ્યું હતું કે યાત્રા ખૂબ સરસ રીતે શરૂ થઈ હતી. અહીંયા દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરાઈ છે. શ્રદ્ધાળુઓએ આસ્થાપૂર્વક યાત્રા કરી છે. જ્યારે સેવા કરવા આવેલી યત્નાએ જણાવ્યું હતું કે કર્મની નિર્જા માટે યાત્રા છે અને આદિનાથ દાદા માટે આટલા બધા લોકોએ લાખોની સંખ્યામાં યાત્રા કરી છે. કહેવાય છે કે અહીંથી ઘણા લોકો મોક્ષને પામ્યા હતા.
આ પણ વાંચો Garvi Gujarat Train: 'ગરવી ગુજરાત' ટ્રેનની કરાઈ શરૂઆત, જાણો ડિલક્સ ટ્રેનની વિગતો
પોલીસ તંત્રની વ્યવસ્થા: પાલીતાણા છ ગાઉ યાત્રામાં પોલીસ તંત્ર દ્વારા મોબાઈલ સર્વેન્સની બે ટીમો બનાવવામાં આવી છે. યાત્રામાં ફેરી કરતા તમામ રીક્ષા ચાલકોને 1 થી 200 સુધીના યુનિક નંબર આપવામાં આવ્યા હોવાથી યાત્રિકોને મુશ્કેલી થાય નહિ. પોલીસ દ્વારા પાલીતાણા તળેટી થી આદપુર સુધી સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા જેમાં નો પાર્કિંગ, અહી પાર્કિંગ કરવું, યુટર્ન ન મારવો,વન વે રોડ સહિત સૂચનો દર્શાવતા 40 બોર્ડ લગાવવામાં આવ્યા છે. શેત્રુંજી પર્વત તેમજ છ ગાઉ પર્વત સુધી સતત યાત્રામાં ડ્રોનથી સર્વેન્સ કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરાથી નજર દ્વારા પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. dysp પાલીતાણા મિહીર બારૈયાએ જણાવ્યું હતું કે 1 DYSP, 3 PI, 20 PSI, 164 પોલીસ કર્મી,17 મહિલા પોલીસ,23 ટ્રાફીક જવાનો,134 હોમગાર્ડ,118 GRD,17હોકી ટોકી સ્ટાફ,2 માઉન્ટેન ઘોડેસવાર પોલીસ, 6 મોટર સાઈકલ પોલીસ ગોઠવવામાં આવી છે અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.