ભાવનગર: જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે ICICI બેન્ક દ્વારા ખોલાયેલા જનધન ખાતાના એટીએમ કાર્ડ અને ચેકબુકોનો બિનવારસી ફેંકી દીધેલી હાલતમાં જથ્થો મળી આવતા ચકચાર મચી છે. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે અનેક લોકો પોતાના ખાતાના એટીએમ અને ચેકબુકની રાહ જોતા હતા અને તે તેમાંથી મળી આવતા કોઈ મોટા સ્કેન્ડલની આશંકા વ્યક્ત થઈ રહી છે.
![બિનવારસી ફેંકી દેવાયેલા જનધન ખાતાના ATM કાર્ડ અને ચેકબુક મળી આવતા ચકચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bvn-01-story-atm-card-checkbook-mali-aavya-avb-rtu-gj10030_21092020225905_2109f_1600709345_366.jpg)
વરલ ગામના રોડ પર આજે સવારે કચરામાં બિનવારસી મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ પડેલા મળ્યા હતા. બિનવારસી એટીએમ કાર્ડ મળવાની ખબરથી ICICI બેન્ક તંત્રમાં હડકંપ મચી ગઇ હતી. મહત્વનું છે કે ગામડાના ગરીબ લોકો સાથે જોડાયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત બેન્ક ખાતાઓ ખોલ્યા પછી કાર્ડને ગામો સુધી પહોંચાડવામાં આવે છે.
2017માં ઇશ્યૂ થયેલા આ કાર્ડ બેન્ક ખાતાધારકો પાસે મોકલવામાં આવ્યા હતા. પરંતુ બેન્ક પ્રશાસની બેદરકારીના કારણે આવું થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના પગલે બેન્ક અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. વરલ ગામે આજે બિનવારસી હાલતમાં ફેંકી દેવાયેલા આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમનો જથ્થો મળી આવતા ચકચાર મચી હતી.
આ જથ્થામાં અનેક એવા એટીએમ રઝળતા મળ્યા હતા જેની રાહ ગામના અનેક લોકો લાંબા સમયથી જોઈ રહ્યા હતા.આ બનાવને લઈ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં ગ્રાહકોના આ એટીએમ કાર્ડનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોય અને જેમાં બેન્ક કર્મીઓ પણ સામેલ હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે લોકો આ અંગે બેન્કમાં પૂછવા જતા આઈસીઆઈસીઆઈ બેન્કના કર્મચારીઓ ચાલુ દિવસે બેન્ક બંધ કરી નાસી છૂટ્યા હતા. બેન્ક કર્મીના આ પગલાંથી લોકોને તેમના બેન્કના ખાતામાં ભારે ગોલમાલ થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી.