ભાવનગરમાં સતત ઘટી રહેલા ધંધા-રોજગારની આડ અસરના ભાગરૂપે હાલ ભાવનગરમાં હીરાઉદ્યોગના 50થી વધુ કારખાનાઓને તાળા લાગી ગયા છે. હીરાઉદ્યોગ ક્ષેત્રે સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર મનાતા અને ભાવનગરના ઔદ્યોગિક વિકાસના પાયાના સ્તંભ સમા હીરા ઉદ્યોગ ક્ષેત્રને હાલ મંદી ઘેરી વળી છે. રફ માલની માગ સામે અપૂરતો જથ્થો, રફના રફ માલની કિંમતમાં સતત વધારો, કામદારોની સતત ઘટી રહેલી સંખ્યા તથા અનુભવી કામદારોની સતત પ્રવર્તી રહેલી અછતના કારણે હીરા ઉદ્યોગ છેલ્લા લાંબા સમયથી લકવાગ્રસ્ત હાલતમાં મુકાઈ ગયો છે. આ પણ અધૂરૂં હોય તેમ હાલ હીરા ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક મંદીની સીધી અસર ભાવનગરના હીરા ઉદ્યોગ ચલાવતા કારખાનાઓ પર જોવા મળી રહી છે.
શહેરમાં રફ હીરાને પોલીશ્ડ, ફિનીશીંગ કરવાનું મજૂરીકામ કરતા નાના-મોટા 500થી વધુ હીરાના કારખાનાઓ ધમધમતા હતા. જેમાં સેંકડો કામદારો અને રત્ન કલાકારોને રોજીરોટી મળતી હતી. પરંતુ આજે સ્થિતિ તદ્દન વિપરીત છે. આજે ભાવનગર શહેરમાં 5થી 15 ઘંટી ચલાવતા નાના અને મધ્યમ કદના હીરાના કારખાનેદારોના વિવિધ પ્રશ્નોને લઇને પોતાના કારખાનાઓને તાળું મારવું પડી રહ્યું છે.
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જાણકારોના મતાનુસાર ભાવનગરમાં એપ્રિલથી લઈને એકાદ માસના ટૂંકાગાળામાં ૫૦થી વધુ નાના અને મધ્યમ કદના હીરાના કારખાનેદારોએ પોતાના હીરાના કારખાનાઓ બંધ કર્યા છે. સાથે જ કારખાનેદારો સુરત સ્થાયી થવા માટે સ્થળાંતરિત થઈ રહ્યા છે. ત્યારે સ્થળાંતર પાછળનું એક મહત્વનું કારણ એ પણ જણાઈ રહ્યું છે કે, ભાવનગરની સરખામણીએ સુરતમાં હીરાના ધંધામાં સ્થિતિ સારી છે. જોકે હીરા કારખાનેદારોના સ્થળાંતર પાછળ સામાજીક, સુરક્ષા તથા સલામતીને લગતા કારણો પણ એટલા જ જવાબદાર મનાઈ રહ્યા છે. જો સ્થિતિ આવી જ રહી તો ઔદ્યોગિક દ્રષ્ટિએ ભાવનગરનું વૈશ્વિક કક્ષાએ નામ રોશન કરનાર હીરા ઉદ્યોગ વ્યવસાય ભાવનગરમાં મૃતપાય થઈ જાય તો નવાઈ નહીં ગણાય!!!
આ વિસ્તારોમાં કારખાના થયા બંધ
- બોર તળાવ
- આરટીઓ રોડ
- રામમંત્ર મંદિર
- રામજીની વાડી
- વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર
- વિજયરાજનગર
- ઘોઘા જકાતનાકા
- ઘોઘા સર્કલ (લીમડીયું)