- કેશુભાઇ પટેલનું અવસાન
- એક નેતા પછી, પહેલા ધરતીપુત્ર હતા કેશુભાઇ
- ભાજપમાં શોકની લાગણી
ભાવનગર : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનાં નિધનના સમાચાર મળતા ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઇ હતી. ગઢડા બેઠક માટે પ્રચાર અર્થે ઘોળા ખાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શ્રધાંજલિ અર્પિત કરી ગુરુવારના ચૂંટણી પ્રચાર, પ્રસાર કાર્યક્રમ તથા સભાઓ રદ્દ કરવામાં આવી હતી. તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો અને રાજ્ય સરકારના અધ્યક્ષ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ગુરુવારના રોજ તેમનું નિધન થયું હતું.
સમગ્ર ભાજપ કાર્યકરોમાં શોક
કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થઇ હતી. જે કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલનાં અવસાનનાં સમાચાર મળતા સમગ્ર ભાજપ કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
ગઢડા બેઠકનાં ઉમેદવાર આત્મારામ પરમાર માટે ચૂંટણી પ્રચાર અર્થે ધોળા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શ્રધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. તેમજ ગુરુવારના રોજની તમામ રાજકીય પ્રચાર સભાઓ રદ્દ કરી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ એક નેતા પછી, પહેલા એક ધરતીપુત્ર રહ્યા છે અને હંમેશા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ઉપરાંત ગામડે ગામડે પાણીની પાઇપ લાઈન પહોંચાડવાનું કામ કેશુભાઈએ કર્યું છે. તેમના જીવનની કાર્યશૈલીને દિવ્ય સંદેશનાં રૂપમાં ભાજપ તેમજ નાના કાર્યકરથી લઇ મોટા કાર્યકર માટે નવી ચેતના અને નવા માગદર્શન બની રહેશે, તેમ જણાવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ ગ્રહપ્રધાન ગોરધન ઝડપયા, રાજ્ય પ્રધાન વિભાવરી દવે, કેશુભાઈ નાકરાણી ધારાસભ્ય, તેમજ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.