ભાવનગરઃ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા ભાલ પંથક જળમગ્ન બન્યો છે. જ્યા જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે. આ માહોલમાં વન્યજીવો માથે મુસીબત આવી પડતા ભાવનગર વેળાવદર નેશનલ પાર્ક ખાતે અને ભાલ પંથકમાં વિચરતા કાળીયાર પર સંકટ ઉભું થયું છે.
ભાવનગર પંથકમાં સતત પડી રહેલા વરસાદને લઈને ભાલ પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદીઓના પાણી ભાલ પંથકના ગામો અને આસપાસના વિસ્તારોમાં ફેલાય જતા અભયારણ્ય તેમજ અભયારણ્ય બહાર વિહરતા અને વસવાટ કરતા 5000થી વધુ કાળિયારનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે. પાણી ભરાય ત્યારે કાળિયાર ઊંચી જગ્યા પર જતા હોય છે. પરંતુ ખોરાક અને વિહરવા માટે કાળિયારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાળિયાર અભયારણ્ય બન્યાને ઘણા વર્ષ થઈ ગયા હોવા છતાં આસપાસની જમીન પર કાળિયારને પાણીથી બચાવવા માટેના આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે.
ભાલ પંથકમાં ભરાયેલા પાણીના વહેણમાં કાળિયાર તણાવાની ઘટના પણ સામે આવી છે, તો બીજી તરફ સ્વાનના ભય અને હુમલામાં કાળિયારના મોત સામે આવી રહ્યા છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે 16 કાળિયારના મોત સ્વાનના હુમલામા નીપજ્યા હતા. તો આ વર્ષે પાણીના વહેણમાં તણાઈ ડૂબી જવાથી 2 અને સ્વાનના હુમલામાં 3 મળી કુલ 5 કાળિયારના મોત થયા છે.
વનવિભાગે આ મોતની પુષ્ટિ કરી છે. ત્યારે કાળિયારના મોતના પગલે પ્રકૃતિ પ્રેમીઓ અને ગામલોકો દ્વારા તંત્ર સામે આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે કે, ભાલ પંથકમા મોટા ભાગના વિસ્તારમાં મીઠાના અગર આવેલા હોય જેમા મીઠું પકવવા માટે મોટા-મોટા પાળા બનાવવામાં આવતા હોય છે. જે પ્રમાણે સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચના કરતા વધુ મોટા પાળા મીઠા અગર માલિકો દ્વારા બનાવવામાં આવતા વરસાદી સિઝન દરમિયાન પાણી ભરાઈ જાય છે અને ભાલ પંથકના 30 જેટલા ગામોમાં પાણી ભરાવવાની તેમજ કાળિયારના પાણીમાં ડૂબવાથી મોત થતા હોય છે.
દર વર્ષે વરસાદી સીઝન દરમિયાન સારા વરસાદમાં ભાલ પંથકમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાતી હોય છે, તે સમસ્યાને આજદિન સુધી નિવારણ કરવાના બદલે તંત્ર દ્વારા માત્ર સર્વે કરવામાં આવે છે, કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી. તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે ભાલ પંથકમાં પાણી ભરાતા 5 કાળિયારના મોતના પગલે તંત્ર દ્વારા 4 ફોરેસ્ટર ગાર્ડની ટીમ કાર્યરત કરી કાળિયારને બચાવવા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. તેમજ તપાસ અધિકારી દ્વારા મીઠાના અગરના પાળાનો સર્વે કરી નોટીસો આપવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી સંતોષ માની બેસી રહેશે કે પછી કોઈ નક્કર પગલા લઇ મીઠાના અગર માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.