ભાવનગર : શહેર અને જિલ્લામાં વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાવનગરના ફરવા લાયક દરિયા કિનારાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે દરેક વિભાગની ટીમો બનાવીને જિલ્લામાં તાલુકા પ્રમાણે તૈનાત કરી દેવામાં આવી છે. દરિયામાં 35થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે દરિયા કિનારે આવેલું માં ચામુંડાના ધામના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે.
દરિયામાં સ્થિતિ પવન અને સ્થળોની શું : બિપરજોય વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુડા, કોળીયાક, ગોપનાથ, ઉંચા કોટડા, મહુવા જેવા દરેક દરિયાપટ્ટી પર પોલીસ તંત્રને તૈનાત કરી દેવામાં આવ્યું છે. લોકોને દરિયાકિનારે નહી જવા દેવા માટે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જોકે વાત કરવામાં આવે દરિયાની તો ETV BHARAT મહુવાના ઉંચા કોટડા ખાતે પહોંચ્યું હતું. ભાવનગરથી 80 કિલોમીટર દૂર વેરાવળ તરફ આવેલા ઊંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે દરિયાની પરિસ્થિતિથી વાકેફ થયું હતું. ઉંચા કોટડા ખાતે કિનારા પર લોકોને જવા દેવામાં આવ્યા ન હતા. જોકે મંદિરના દર્શન માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
તાલુકાઓમાં સુરક્ષાના રૂપે વ્યવસ્થા શું : ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા દરેક વિભાગને કામગીરી સોંપવામાં આવી છે. ભાવનગરના અને ઘોઘા તાલુકામાં 11 ગામોમાં પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી હતી, તળાજામાં દસ ગામોમાં મામલતદારએ મુલાકાત લીધી હતી, ત્યારે મહુવાના 15 ગામોમાં પણ મામલતદારએ મુલાકાત લીધી હતી. આમ દરિયાપટ્ટીના ગામોમાં તંત્ર સતત મુલાકાત લઇ રહ્યું છે, વાત કરવામાં આવે સિંચાઈ વિભાગની તેમજ અન્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. સાથે જ ટ્રેક્ટર, હિતાચી, JCB સાથે 60 જેટલા મજૂરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ ધારીયા, કટર, ત્રિકમ,પાવડો, પીકઅપ વાહન, વોકીટોકી અને 87 જેટલા માનવબળ તૈયાર રાખવામાં આવ્યું છે.
લાઈટ માટે PGVCL ટીમ લાઈટ માટે તૈયાર : વાવાઝોડાને પગલે PGVCL દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. ભાવનગર તાલુકામાં 18 લોકોની ત્રણ ટીમ, ઘોઘા તાલુકામાં 36 લોકોની છ ટીમ, મહુવા તાલુકામાં 69 લોકોની 10 ટીમ, તળાજા તાલુકામાં 37 લોકોની સાત ટીમ મળીને સમગ્ર તાલુકાના 962 થાંભલાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જ્યારે 232 જેટલું માનવબળ તૈયાર રાખવામાં આવ્યું છે. આમ વરસાદ અને ભારે પવનના પગલે વીજળી ગુલ થાય તો તાત્કાલિક પુરવઠો શરૂ કરી શકાય એ હેતુથી ટીમને તૈનાત રાખવામાં આવી છે. આ સાથે સિંચાઈ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, PGVCL દરેકની ટીમોને ક્યાંય રસ્તો બંધ થાય અથવા તો વૃક્ષ પડે અથવા તો ભારે પવનને પગલે થાંભલાઓ પડે તો દરેક ટીમોને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે. જેથી મુશ્કેલીને દૂર કરી શકાય. આમ આગામી ત્રણ દિવસ સુધી દરેક ટીમે પોતાનો તાલુકો છોડશે નહીં.