ભાવનગર : અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 600 કિલોમીટર દૂર છે. ત્યારે ભાવનગર જિલ્લામાં તંત્ર સચેત છે. મહુવાના દરિયા કાંઠે આવેલું ઊંચા કોટડા એક પવિત્ર યાત્રાધામ છે. અહીં ચામુંડા માતાજીના સાનિધ્યમાં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોય છે. હાલ ભાવનગરથી લઈને મહુવા સુધીના દરિયામાં ભારે ભવન અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે શું છે પરિસ્થિતિ જોઈએ બિપરજોય વાવાઝોડાની અસર સાથેના વાતાવરણની.
યાત્રાધામ ઊંચા કોટડામાં પરિસ્થિતિ મહુવા અને તળાજાની વચ્ચે ઉચાકોટડા ગામ પાસે આવેલું ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર અને પવિત્ર યાત્રાધામ છે. દરિયા કિનારે જ આવેલું માતાજીનું મંદિર હાલમાં બિપરજોય વાવાઝોડાને પગલે શ્રદ્ધાળુઓ માટે ચામુંડા માતાજીના ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકોને ત્રણ દિવસ માટે નહીં આવવા માટે વિનંતિ કરાઇ છે. જો કોઈ આવે તો તેને દરિયા કિનારે જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. યાત્રાધામ પર દરિયા કિનારે નાસ્તો વેચતા, નારીયેર પાણીવાળા જેવા ધંધાર્થીઓ જોવા મળતા નથી. દરિયામાં મોજામાં કરંટ ઊંચા કોટડામાં જોવા મળી રહ્યો છે.
વાવાઝોડાની આગાહી છે તેને પગલે ભારે પવન છે અને કેટલાક ભક્તો આવતા હોય છે. જેને અમે રહેવા માટેની વ્યવસ્થા કરતા હોઈ છીએ. પરંતુ અનેક લોકોને ત્રણ દિવસ સુધી નહીં આવવા માટે પણ વિનંતી કરી છે. દરિયા કિનારે કોઈને જવા દેતા નથી. કદાચ કોઈ ઘટના ઘટે તો દાઠા પોલીસ સ્ટેશન છે ત્યાં અમે જાણ કરતા હોઈએ છીએ...કનુભાઈ (મેનેજર, ઊંચા કોટડા ચામુંડા માતાજી ટ્રસ્ટ)
ઊંચાકોટડા અને ગોપનાથ જેવા યાત્રાધામ દરિયા કિનારે ભાવનગર જિલ્લાના ઉંચા કોટડા ખાતે યાત્રિકોને ત્રણ દિવસ માટે ન આવવા માટે અપીલ તો કરાઇ છે સાથે દરિયા કિનારે નીચે પણ નહીં જવા માટે જાણ કરાય છે. ત્યારે બીજી બાજુ તળાજાના ગોપનાથ પણ એક યાત્રાધામ છે. તે દરિયાકાંઠે આવેલું છે. ત્યારે ગોપનાથ ખાતે પણ યાત્રાળુ આવી રહ્યા છે. પરંતુ કોઈને આજ સુધી હજુ કોઈને મનાઈ ફરમાવામાં આવી નથી તેમ ગોપનાથ મંદિરના મેનેજર ઘનશ્યામસિંહે જણાવ્યું હતું. વાવાઝોડા જેવી સ્થિતિ બંને દરિયાકાંઠે હોવાનું ત્યાંના સ્થાનિકો માની રહ્યા છે. જો કે દરિયા કિનારે પવનની ગતિ હોવાનું લોકો સ્વીકારી રહ્યા છે. આગામી દિવસોમાં વાવાઝોડાને પગલે સ્થિતિ બદલાઈ તો નિર્ણય બદલાઈ શકે છે અને શ્રધ્ધાળુને આવતા રોકી શકાય છે.
જિલ્લાનું સરકારી તંત્ર ખડેપગે ભાવનગર જિલ્લાના નવાબંદરથી લઈને મહુવા સુધીના દરિયાઈ પટ્ટી ઉપર તંત્ર એલર્ટ છે. મરીન પોલીસ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ સહિત આરોગ્યલક્ષી બાબત હોય કે પછી પીજીવીસીએલને લઈને ઇલેક્ટ્રિસિટીની બાબત હોય, દરેક બાબતને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા આદેશો કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે દરેક સ્ટાફ સ્ટેન્ડ બાયમાં છે. જો કે એનડીઆરએફની ટીમ ભાવનગર બોલાવવામાં આવી નથી. પરંતુ ડિઝાસ્ટર વિભાગ હેઠળ આવતા દરેક સાધનો સાથેની એક ટીમ તાલુકા કક્ષાએ તૈયાર રાખવામાં આવી છે. જેથી કરીને એવી કોઈ પરિસ્થિતિ સર્જાયા તો તંત્ર દ્વારા તેને પહોંચી શકાય તે માટે આયોજન કરાયું છે.
બંદરો પર સિગ્નલ અને જીએમબી એક્શન મોડમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લાના નવાબંદર, ઘોઘા, અલંગ, મહુવા જેવા બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. કારગો શીપ, રો રો ફેરી દરેક બંધ કરી દેવામાં આવી છે. જે બે દિવસ સુધી બંધ રાખવામાં આવશે તેમ ભાવનગર પોર્ટ ઓફિસર રાકેશ મિશ્રાએ 10 જૂન સાંજે 7.20 કલાકે જણાવ્યું હતું. જો કે વાવાઝોડાને લઈને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકથી પવન ફૂંકાઇ શકે છે.