- મહુવાના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત લેતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી
- મહુવાના પઢીયારકા અને મહુવા શહેરના પ્રભાવિત વિસ્તારમાં ફર્યા
- મહુવામાં બારપરા અને જનતા પ્લોટમાં તારાજીવાળા ઘરોમાં જઈ માહિતી મેળવી
ભાવનગર: મહુવામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારના રોજ સવારે 10.30 વાગ્યે હનુંમત સ્કૂલ નજીકના ગ્રાઉન્ડમાં આવવાના હતા પરંતુ તેઓ 11 વાગ્યે મહુવા પહોંચ્યા બાદ સીધા પઢીયારકા ગામે પહોંચ્યા હતા અને વાવાઝોડાની તારાજીનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગ્રામજનો સાથે સંપર્ક કરીને માહિતી મેળવી હતી અને નુકસાનીનું વળતર તાત્કાલિક મળી જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
મહુવામાં બારપરા અને જનતા પ્લોટમાં તારાજીવાળા ઘરોમાં જઈ માહિતી મેળવી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પઢીયારકાથી મહુવાના જનતા પ્લોટમાં ઝૂંપડપટ્ટીમાં આવેલા મકાનો કે જેમાં તારાજી થઈ હતી તેવા વિસ્તારમાં જઇ લોકોને મળ્યા હતા તેમજ બારપરામાં ગયેલા અને પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરી હતી
મહુવામાં જનજીવન થાળે પડે અને વીજપુરવઠો જલ્દી શરૂ થાય તેવા અમારા પ્રયાસો: મુખ્યપ્રધાન રૂપાણી
મહુવામાં વાવાઝોડાની તારાજી બાદ લાઈટ અને પાણી મળ્યા નથી. તેમજ આજુબાજુના વિસ્તાકમાં 4000 પોલ પડી ગયા હોય મહુવા તેમજ મહેસાણા ભુજ અને સુરતના ટોટલ 700 જેટલા વીજ કર્મચારીઓ રાત દિવસ જોયા વગર વીજ પુરવઠો ચાલુ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે આ બાબત મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે, શનિવાર રાત સુધીમાં મહુવામાં વીજ પુરવઠો શરૂ થઈ જવાની ધારણા છે જ્યારે પાણી પુરવઠો 7 દિવસ પછી પણ આંશિક શરૂ કરાયો છે.
મહુવા નગરપાલિકાની અણઆવડત સામે આવી
ઉલ્લેખનીય છે કે, મહુવા નગરપાલિકાની અણઆવડત સામે આવી છે. જેમાં મહુવામાં પાણીની વ્યવસ્થા ન કરી શક્યા, સફાઈ ન કરી શક્યા તેમજ મહુવામાં સુરત કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ લગભગ 200 જેટલા આવ્યા હોવાં છતાં ન તો કામ કર્યું કે ન કરાવી શક્યા. ત્યારે આજે પણ મહુવામાં કચરાના ઢગલા જેમના તેમ જ છે. જો કે, જ્યાં મુખ્યપ્રધાન ચાલવાના હતા ત્યાં સફાઈ કરી નાખવામાં આવી હતી.
આ પણ વાંચો: PM મોદીએ મુલાકાત લેતા સરકાર દોડતી, આજે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા
મહુવામાં કલેક્ટર ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની તારાજી થયા બાદ જાત માહિતી લઈને મીડિયા સુધી માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વીજપુરવઠો, પાણી પુરવઠો અને સફાઈ તાત્કાલિક શરૂ થાય તે માટે જરૂરી સૂચના અધિકારીઓને આપી હોવાનું જણાવ્યું હતું અને વીજ પુરવઠા માટે દક્ષિણ ગુજરાત વીજ બોર્ડ, મધ્ય ગુજરાત વીજ બોર્ડ અને ઉત્તર ગુજરાત વીજ બોર્ડના કર્મચારીઓની ટુકડીઓ જરૂરી સામાન સાથે પહોંચી ગઈ છે અને વીજપુરવઠો પણ શનિવાર રાત સુધીમાં ચાલુ થઈ જશે તેવી હૈયા ધારણા આપી હતી અને વાવાઝોડામાં થયેલી તારાજીનું વળતર માટે પ્રશ્ર પૂછતાં જણાવ્યું હતું કે, અમે સર્વે કરીએ છીએ જે થયા બાદ અમે રાહત પેકેજ આપીશું.