ભાવનગરઃ દેશભરમાં કોરોના કહેરને લઈને લોકડાઉન બાદ અનલોક-1 અને અનલોક-2માં વધુ છૂટછાટ મળતા ઉદ્યોગ અને વેપાર-ધંધા થાળે પડી રહ્યા છે, તો બીજી તરફ સુરત, અમદાવાદ જેવા શહેરોમાં કોરોના સંક્રમણ વધતા લોકો ફરી પાછા પોતાના વતન ફરવા મજબૂર બન્યા છે.
ભાવનગર શહેરના અધેલાઈ ચેકપોસ્ટ ખાતે દરરોજ 500થી 1000 જેટલા વાહનોમાં આવતા પ્રવાસીઓનું ચેકિંગ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 1.5થી 2 લાખ જેટલા લોકો સુરત તેમજ અન્ય શહેરોમાંથી ભાવનગર પરત ફર્યા છે. જેને તંત્ર દ્વારા ટ્રેક કરી હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં કોરોના કેસના સંક્રમણના કેસોમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બહાર ગામથી પોતાના વતન પાછા ફરી રહેલા લોકોને ટ્રેક કરી તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ વધતા અને ટેકસટાઈલ તેમજ હીરા ઉદ્યોગ બંધ થતા અનલોક-1 અને અનલોક-2 દરમિયાન અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં 1.5થી 2 લાખ જેટલા લોકો સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી પોતાનો ઘંઘો-રોજગાર છોડી ભાવનગર જિલ્લાના ઉમરાળા, વલભીપુર, મહુવા, ગારિયાધાર જેવા તાલુકોમાં પરત ફર્યા છે.
હાલ ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો વધતા તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાની અધેલાઈ ચેકપોસ્ટ પરથી વતન પાછા ફરતા લોકોનું આરોગ્ય ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રોજના 500થી 1000 વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ગ્રામ્ય લેવલે આવતા લોકોને ટ્રેક કરી તેમના આરોગ્યની ચકાસણી બાદ જો સંક્રમણ કે કોરોનાના લક્ષણો દેખાય તો હોમ આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. તેમજ 26 ધનવંતરી રથ દ્વારા ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોની સતત આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેમને રોગ પ્રતિકારક દવાઓ અને ઉકાળો આપવામાં આવી રહ્યા છે.