ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં દરેક તાલુકામાં નદી-નાળાઓ વહેતા થયા છે. વરસાદના કારણે નદી નાળાઓમાં આવતા પાણીને પગલે તેમાંથી વાહન ચલાવવું જોખમી પુરવાર થઈ રહ્યું છે. ચાલીને જવું પણ આત્મહત્યા કરવા સમાન બની શકે છે. ત્યારે તળાજાના જૂની કામરોલ ગામે તેવી જ ઘટના બની હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.
નદીઓ ગાંડીતુરઃ ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની સવારી અવિરત નીકળી રહી છે. નદી નાળાઓ વહેતા થયા છે. તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે કોઝવેમાંથી કાર પસાર કરવા જતા કાર બંધ પડી ગઈ હતી. બાદમાં તણાઈ ગઈ હતી. જેને પગલે કારમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે બે લોકોનો આબાદ બચાવ થયો છે. સ્થાનિકો દ્વારા બચાવ માટે ભારે કમર કસવામાં આવી હતી. તળાજા તાલુકાના પાવઠી ગામનો પરિવાર કારમાં બેસીને જૂની કામરોલ ગામે દાદાના દર્શનને જતો હતો.
કાર બંધ થઈ ગઈઃ જૂની કામરોલ ગામ નજીક વહેતા પાણીના કોઝવેમાં કાર ચલાવવા જતા કાર બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ કારચાલક ઉતરીને અન્યને બોલાવવા જતા કાર તણાવવા લાગી હતી. કારમાં બેસેલા લોકોએ બુમાં બુમ શરૂ કરી દીધી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ કારમાં સવાર ત્રણ મહિલાઓના મૃત્યુ નીપજ્યા છે. કાર તણાવવા લાગી તેને લઈને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. આસપાસના લોકો દોરડું લાવીને કારને કિનારે લાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
કાંઠે કાર લાવવામાં આવીઃ તણાતી કારને દોરડું બાંધીને ગામ લોકોએ કાંઠે લાવવામાં સફળ રહ્યા હતા. ભારે જહેમત બાદ કાર કાંઠે આવી હતી. જો કે સદનસીબે કારમાં સવાર દયાબેન ભદ્રેશભાઈ જીજાળા,મુક્તાબેન વેલાભાઈ જીજાળા અને આરવીબેન ભદ્રેશભાઈ જીજાળાના મૃત્યુ નીપજ્યા છે. કારમાંથી ત્રણેયને બહાર કાઢીને તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. કાર તણાતાનો સંદેશ મળતા જ પોલીસ તંત્ર પહોંચી ગયું હતું.
પોલીસ અધિકારીની વાતઃ પીઆઇ એ આર વાળાએ જણાવ્યું હતું કે, સમગ્ર પરિવાર પાવઠી ગામનો રહેવાસી છે અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે જૂની કામરોલ ગામે જઈ રહ્યો હતો. કાર ચલાવતા શખ્સે કોઝવેમાં કાર ચલાવી હતી. અધવચ્ચે પહોંચતા કાર બંધ પડી ગઈ ત્યારે તે અન્યને બોલાવવા માટે ગયો હતો. આ સમયે કાર તણાવવા લાગી હતી. જેને કારણે ત્રણના મૃત્યુ થયા છે.