ભાવનગર: જૈનનગરી પાલીતાણામાં નોંધાયેલી ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ અને સ્ટેટ GST તપાસમાં લાગી છે. રાજ્ય વ્યાપી કૌભાંડમાં ભાવનગરમાંથી 26 પૈકી 2 આધાર કેન્દ્રમાં પોલ ખુલી છે. GST એ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ભેજાબાજો લોકોને પોતાની યુક્તિથી મુર્ખ બનાવી રહ્યા હતા.
ભાવનગરમાં આધાર કેન્દ્ર: ભાવનગર જિલ્લાના પાલીતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આધાર કાર્ડમાં લોભ-લાલચ આપીને ફોન નંબર બદલવાની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ એ 10 જેટલા લોકોને ઊઠાવી લીધા હતા. જો કે ત્યારબાદ હાલમાં થોડા દિવસ પહેલા સ્ટેજ જીએસટી દ્વારા ભાવનગરમાં આધાર કેન્દ્ર ઉપર તપાસ આદરી હતી. આ તપાસમાં શહેરના ત્રણ આધાર કેન્દ્ર શંકા થતા જીએસટી વિભાગે ફરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે વિશ્વાસઘાતની અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
26 આધાર કેન્દ્રમાં ગેરરીતિ વાળા કેન્દ્ર: હાલ 26 આધાર કેન્દ્ર ઉપર કરેલી તપાસમાં આધાર કેન્દ્રમાં ત્રણ લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ થઈ છે. અંદાજે અનુમાન લગાવવામાં આવે તો 26 આધાર કેન્દ્ર ઉપર 50,000 લાભાર્થીઓ હોઈ શકે છે. ત્યારે આ બે આધાર કેન્દ્ર ઉપર આશરે 2000 થી વધારે લાભાર્થીઓ હોવાનું અનુમાન છે. જો કે તપાસ હજુ ચાલુ છે. કેટલા લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ છે તે તપાસના અંતે જ બહાર આવશે-- ધર્મજિત યાજ્ઞિક(ભાવનગર જીએસટીના અધિકારી)
GSTની ફરિયાદ: ભાવનગર શહેરમાં ગત તારીખ 20 ફેબ્રુઆરીના સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગર શહેરમાં 26 જેટલા આધાર કેન્દ્ર ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. 26 આધાર કેન્દ્ર પૈકી બે આધાર કેન્દ્રમાં જીએસટીને આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલવાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. લાભાર્થીને લોભ લાલચ આપીને નવો મોબાઈલ નંબર અપડેટ કરી GST નંબર લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાય છે.
ત્રણ શખ્સો કોણ સામે આવ્યા: ભાવનગરના વીરાણી સર્કલ, કાળિયાબીડમાં આવેલા આધાર કેન્દ્ર ઉપર તેમજ ચાવડીગેટ ખાતે વિજય પેલેસ હોટલ ત્રીજા માળે આવેલા આધાર કેન્દ્ર પર છેતરપિંડી કરાતી હતી. મોબાઈલ નંબર આપી વિમલ મકવાણા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતો હતો. સ્ટેટ જીએસટીને સાત લોકોના નિવેદન બાદ ત્રણ શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી છે. જેમાં વિમલ મકવાણા, કૃણાલ રાઠોડ અને સાજીદ ઉર્ફે સજ્જુ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.