ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળને રીપીટ કરતા કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ઉમેદવાર પસંદગીને લઈને મથામણ ચાલી હતી. આખરે બુધવારે મોડી સાંજે ભાવનગર લોકસભા બેઠક પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પાટીદાર યુવાન ચહેરા એવા મનહર પતેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ગત સાંજે કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળ દ્વારા તેમના નામની વિધિવત જાહેરાત કરાઇ હતી. કોંગ્રેસે ભાવનગર લોકસભા બેઠક ઉપર મોડે મોડે પોતાના ઉમેદવારને જાહેર કરતાં ભાવનગર કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આનંદ છવાયો હતો.
મૂળ વલભીપુર તાલુકાના પાટણા ગામના વતની અને કૃષિક્ષેત્રે ડિપ્લોમા થયેલા મનહર પટેલ ભાવનગર અને બોટાદમાં આવેલી વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે છેલ્લા દસેક વર્ષથી જોડાયેલા છે અને સામાજિક તથા સ્વેચ્છિક પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસમાં પ્રવક્તા તરીકે હાલ જવાબદારી નિભાવતા મનહર પટેલ આ અગાઉ પણ કોંગ્રેસના સંગઠનની વિવિધ જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.
ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં ગુરુવારે ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે ભાવનગર અને બોટાદ શહેર જિલ્લા કોંગ્રેસનું સંયુક્ત સંમેલન યોજાયું હતું. આ સાથે જ કોંગ્રેસ દ્વારા મનોહર પટેલના નામની જાહેરાત કરાતા તેમણે આ બેઠક ઉપર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આઝાદી બાદ પ્રથમ ગોહિલવાડ બેઠક અને 1962 બાદ ભાવનગર લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સૌ પ્રથમ વખત ભાવનગર લોકસભા બેઠક પર પાટીદાર ચેહરાને કોંગ્રેસે ટિકિટ આપી છે. જો કે, અત્યાર સુધીની તમામ લોકસભા ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષોએ પાટીદાર ચહેરાને ટિકિટ આપી નથી. ભાજપ સામે કોંગ્રેસે જ્ઞાતિવાદી ટ્રમ્પ કાર્ડ કાઢતાં આ વખતે લોકસભાની ચૂંટણી સંભવત ભાવનગર બેઠક માટે રસાકસીભરી બને તો નવાઈ નહીં.!