ભાવનગર: શહેર અને જિલ્લામાં ઘણા સમયથી થંભી ગયેલા મેઘરાજા અચાનક બદલાયેલા વાતાવરણ સાથે એન્ટ્રી મારી હતી. ભાવનગર શહેર અને જિલ્લાના પાંચ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગાજવીજ સાથે થયેલો વરસાદ હોવાથી રસ્તા ઉપરની વિઝીલીબિટી ઘટી ગઈ હતી. બે કલાકમાં મેઘરાજાએ શહેરને તરબોળ કરી દીધું હતું.
ઘરોમાં ઘુસ્યા પાણી: ભાવનગરમાં બે કલાકમાં વરસેલા વરસાદ લોકોની હાલત ખરાબ થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં ગરીબ લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શેટી, ખાટલા, ગેસનો બાટલો પાણીમાં હતા. વૃદ્ધ કમર સુધીના પાણીમાં ઉભા ઉભા સ્થિતિ નિહાળતા હતા. જો કે બે કલાક બાદ વરસાદ થંભી ગયો હતો. ભાવનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વાહનો બંધ પડ્યા: ભાવનગરમાં અનરાધાર વરસેલા વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કાળીયાબીડ, પાનવાડી, નીલમબાગ, કરચલીયા પરા, કુંભારવાડા, રેલવે કોલોની, દેસાઈનગર, શાસ્ત્રીનગર જેવા મુખ્ય માર્ગો ઉપર દોઢ ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. તેને પગલે વાહન ચાલકોને વાહન બંધ પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચાલુ વરસાદે ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય હતી. નાળાઓ બે કાંઠે રહેવા લાગ્યા હતા. ત્યારે શેરીઓમાં રસ્તાને બદલે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ક્યાં પડ્યો વરસાદ: ભાવનગર શહેરમાં બપોરે મેઘરાજાએ ગાજવીજ સાથે વરસવાની શરૂઆત કરી હતી. તેમાં વલભીપુરમાં 104 એમએમ, ઉમરાળા 24 એમએમ, ભાવનગર 82 એમએમ,ઘોઘા 54 એમએમ અને શિહોરમાં 44 એમ.એમ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય પાંચ તાલુકા ગારીયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા અને જેસરમાં વરસાદ નીલ રહ્યો હતો.