ભાવનગર: ભાવનગર શહેરમાં લાંબા સમયથી મેઘરાજાએ વરસવાનું બંધ કરી દીધું છે. જેને પગલે બફારાના પ્રમાણમાં પણ વધારો થયો છે. તો બીજી બાજુ ખેડૂતોને પણ ચિંતાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે તરસ્યાને કૂવો મળે તે રીતે શ્રાવણી સરવડાનું એક વરસાદી ઝાપટું વરસી ગયું હતું. વરસાદનું ઝાપટું મોટા પાયે વરસતા બફારામાંથી લોકોને રાહત મળી હતી. જો કે વરસાદી ઝાપટું શહેરના કેટલાક વિસ્તારો પૂરતું વરસ્યુ હોવાને કારણે અન્ય વિસ્તારો કોરાધાકોડા રહ્યા હતા. પરંતુ મેઘરાજાના બેવડા વલણને પગલે ક્યાંક ગરમીમાં રાહત તો ક્યાંક બફારાનું પ્રમાણ યથાવત રહ્યું હતું.
રસ્તાઓ પર પાણી પાણી: ભાવનગર શહેરમાં લાંબા સમયથી થોભી ગયેલા વરસાદ અચાનક આવી પડે તો લોકોને આનંદ જરૂર પડે છે. ભાવનગરમાં પણ શ્રાવણ માસના શ્રાવણી સરવડાના વરસવાને પગલે લોકોને આનંદ જોવા મળ્યો હતો. ધોધમાર આવેલા શ્રાવણી સરવડાના વરસાદમાં નાના બાળકોએ મજા લૂંટવાની ચૂક કરી નહોતી. જો કે શહેરના રસ્તાઓ અને ગલીઓમાં પાણી વહેતા થયા હતા. શહેરના કેટલાક વિસ્તાર પૂરતો જ વરસાદી ઝાપટું વરસ્યુ હોવાને કારણે આનંદ નિશ્ચિત વિસ્તારોમાં જ જોવા મળતો હતો.
ચોમાસાનો નોંધાયેલો વરસાદ કુલ ક્યાં કેટલો: ભાવનગરમાં ચોમાસાનો વરસાદ છેલ્લા 20 થી 25 દિવસથી થોભી ગયો છે, જ્યારે અંતમાં નોંધાયેલા જિલ્લા અને તાલુકાના આંકડા જોઈએ તો વલભીપુર 785mm, ઉમરાળા 873mm, ભાવનગર 999mm, ઘોઘા 498mm, સિહોર 824mm, ગારીયાધાર 408mm, પાલીતાણા 348mm, તળાજા 384mm, મહુવા 990mm અને જેસર 342 mm વરસાદ નોંધાયેલો છે. જો કે સમગ્ર જિલ્લાનો કુલ વરસાદ 645 mm નોંધાવવા પામેલો છે, ત્યાંરે લાંબા સમય બાદ આવેલા છૂટાછવાયા વરસેલા ઝાપટાને કારણે ગરમીમાં રાહત જરૂર થવા પામી છે.