ભાવનગર: ભાલના ગામડાઓ ઉપર વરસાદના પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. નદીઓના નીર ભાલ પંથકમાંથી નીકળતી નદીઓ મારફત દરિયામાં જાય છે. માત્ર એક ડેમના બે દરવાજા ખુલતા ગામડાઓને ફરતા પાણી ફરી વળ્યાં છે. સ્થાનિક તંત્રએ સૂચનાઓ માત્ર આપી છે પણ જો વધુ ઉપરવાસમાં વરસાદ થાય તો ડેમના વધુ દરવાજા ખોલવાની જરૂરિયાત ઉભી થશે અને સંકટ વધશે કેમ જાણો.
નદીના નીર ચારેબાજુ ફરી વળ્યાં: ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ભાલ પંથકમાં આવેલા ગામડાઓમાં વરસાદી પાણી નદીઓ મારફત આવે છે. આ ભાલ પંથકના ગામડાઓમાં કાળુભાર, ઘેલો જેવી નદીના પાણી ભાલ પંથકમાં આવીને બાદમાં દરિયામાં ભળી જાય છે. ત્યારે ગુરૂવારના રોજ સાંજે કાળુભાર નદીના ચાર દરવાજા ખોલતાં જ નદી બે કાંઠે વહેવા લાગી હતી. અને તેના નીર ભાલપંથકના ગામડાઓમાં પહોંચ્યા હતા. જેને કારણે નદી ઉપર બાંધવામાં કોઝવેના આવેલા પુલ ઉપરથી પાણી વહેતું જોવા મળ્યું હતું. આમ ડેમના અને નદીના પાણી ભાલ પંથકમાં મોટા પ્રમાણમાં આવતા ભાલ પંથકના ગામડાઓની ચિંતામાં વધારો થયો છે.
'ડેમના કાલે 6:55 એ ચાર જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા જેને પગલે અમે નદી કાઠેના દરેક ગામડાના તલાટી અને વહીવટદાર હોય તેને જાણ કરી દીધી હતી. તેમાંથી બે દરવાજા બંધ પણ કરી દેવામાં આવ્યા છે જેથી પાણીનો પ્રવાહ પણ ઘટવા લાગ્યો છે. તમે જે પ્રમાણે દ્રશ્યો દર્શાવ્યાએ પ્રમાણે અમે સતત નજર રાખી રહ્યા છીએ. તે પંથકના ગામડાઓના સ્થાનિક અધિકારીઓને સૂચના આપી દીધી છે કે નજર રાખવામાં આવે અને જરૂર પડે જાણ કરતા રહે.' -કાળુભાઈ
ખેડૂતોને પણ નુકસાન: હાલ પંથકના ગામડા જોઈએ તો પાળીયાદ, દેવળીયા, માઢીયા, કાળાતળાવ ખેતાખાટલી અને સનેસ સહિત અન્ય ગામડાઓનો સમાવેશ થાય છે. આ પંથક વિસ્તારમાંથી કાળુભાર નદી અને ઘેલો નદી બંને પસાર થઈને દરિયામાં ભળે છે. હાલમાં કાળુભાર ડેમના માત્ર ચાર દરવાજા ખોલવાને કારણે આ ભાલના ગામડાઓની ફરતે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
ગામડાઓ બેટમાં ફેરવાઈ જશે: હવે વરસાદની આગાહી વચ્ચે જો ઉપરવાસમાં વધુ વરસાદ થાય અથવા તો ભાલ પંથકમાં પણ સારો એવો વરસાદ થાય તો આ ગામડાઓ બેટમાં ફેરવાઈ જશે. જો કે ભૂતકાળમાં ચોમાસામાં ભારે વરસાદના સમયે આ ગામડાઓ બેટમાં ફેરવાતા આવ્યા છે. હાલમાં ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને પગલે ખેડૂતોને પણ નુકસાન થયું છે.