ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી ,લૂંટ અને હત્યાનાં બનાવવોમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં જાણે કે આરોપીઓને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેમ ગુનાને અંજામ આપી ફરાર થઈ જવાના કિસ્સાઓ વધી જતા શહેરીજનો તેમજ વેપારીઓમાં ડરનો માહોલ ઉભો થયો છે. આવી જ એક ઘટનાને અંજામ આપવા બુધવારે રાત્રીના ભાવનગર થી 25 કિમી દૂર આવેલ સોનગઢમાં લુટની ઘટના બની હતી.
ભાવનગરથી આંગડીયા પેઢીનાં કર્મચારીઓ કારમાં રાજકોટ તરફ જઈ રહ્યા હતા, તે સમયે સોનગઢ નજીક નકલી પોલીસ બની ચારથી પાંચ વ્યક્તિઓએ કારને તપાસનાં બહાને અટકાવી તેમાં બેઠેલા ચાર આંગડીયા પેઢીના કર્મચારીઓને કાર માંથી નીચે ઉતારી તપાસ ચલાવી તથા તમામને સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ જણાવી બે વ્યક્તિઓએ કાર ને કબ્જે કરી હતી. ત્યારબાદ કર્મચારીઓ પાસે રહેલા બેગ અને એક કર્મચારી સાથે રહેલા માલનાં થેલા જુટવી માર મારી કરી કાર લઈને નાસી છુટ્યા હતાં.
આરોપીનો પીછો કરતા ઈશ્વરીયા ગામ નજીક આરોપીની કારનો અકસ્માત થતા આરોપીઓ ખેતર તરફ ભાગવાનો પ્રયાસ કરતા સમયે કર્મચારીઓ પહોચી અને બુમા બુમ કરતા આરોપીઓ પાસે રહેલ થેલા પડી જતા મૂકી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ સોનગઢ પોલીસને કરવામાં આવતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આંગડીયા કર્મચારીઓ દ્વારા વર્ણવેલા આરોપીઓનાં વર્ણન તેમજ અકસ્માત થયેલ કારને કબ્જે કરી વધુ તપાસ ચલાવવામાં આવી હતી.
બુધવારે રાત્રીનાં આંગડીયા પેઢીનાં કર્મચારીઓ સાથે નકલી પોલીસ બની લૂંટની ઘટનામાં ભાવનગર પોલીસ દ્વારા સાત જેટલા આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.