ભાવનગર: બુલેટ ટ્રેનની સ્પીડથી પણ કદાચ વધારે સ્પીડથી પુરી થઈ જતી જીવનની પ્રથમ ઈંનિગ્સ જલસા કરવા કરતા જરૂરિયાત પૂરી કરવામાં વધારે વીતે છે. વૃદ્ધાશ્રમમાં વધતી જતી સંખ્યા આમ તો નવી પેઢીની સમજ માટે તમાચા સમાન છે. પણ વૃદ્ધોને પણ ટેકો આપનારા મેરૂ પર્વત જેવા અડગ મનના માનવીઓ પણ આપણા જ સમાજમાં પડ્યા છે. જેની યુવાની આવા વૃદ્ધોને એના જમાનાને આનંદથી યાદ કરવામાં પગલાં પાડે છે. વાત કરવી છે એક એવા યુવાનની કે જે એક સારા ગિટાર વાદક છે. ધ્રુવ પંડ્યા નામના ગિટાર વાદક પોતાની સંગીતના સથવારે અને પોતાના સાથીઓના મારફતે આજની યુવા પેઢી નહીં. પરંતુ તેવા લોકો માટે આનંદ હેતુથી કાર્યક્રમ પીરસવાની શરૂઆત કરી છે. જે હવે પોતાની લાઈફનો સનસેટ જોઈ રહ્યા છે.
કોણ છે ધ્રુવ પંડ્યા: નવી પેઢીને વૃદ્ધાશ્રમમાં જવુ ગમે? જવાબ છે હા. આંબલા ગામે રહેતા ધ્રુવ પંડ્યા ગાયક કલાકાર પાર્થિવ ગોહિલના ગુરુ દક્ષાબેન મહેતા પાસે સંગીત શીખી રહ્યા છે. પણ સંગીત સાથે સેવાનો હેતું એ પણ સ્વરના માધ્યમથી એટલે વૃદ્ધોની જૂની દુનિયાને નવા રંગમાં ઉઘાડવા બરોબર. ધ્રુવ પંડ્યાની સાથે અન્ય યુવતીઓ અને યુવકો પણ સંગીત શીખવા માટે આવે છે. ટીમ હાલ સંગીત ક્ષેત્રે ઉગતા છોડવા જેવી છે. પણ તેમના વિચાર સેવાના છે. એક નવી પહેલ કરી પોતાના ગુરુના સથવારે વૃદ્ધાશ્રમમાં સંગીત સંધ્યા કરી છે. જૂના નવા ફિલ્મી ગીતોની એવી સરસ પેરોડી કે મેલોડિયસ મૂડમાં જીવેલી મુશ્કેલીઓ આસાનીથી ભૂલાઈ જાય. જીવનની ઢળતી સંધ્યામાં સંગીતના સાત સૂરનો સંગમ કરીને ધ્રુવે એક નવી દિશા ખોલી છે. તે પોતે જ કહે કે, મોજ કરાવીએ.
"છ થી સાત મહિના પહેલા ક્લાસમાં હું ગયો ત્યારે મેં દક્ષાબેનને વાત કરેલી. મારી જેવા અનેક યુવાનો ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઈને પરફોર્મ કરતા હોય છે. ત્યારે મને વિચાર આવેલો કે વૃદ્ધાશ્રમના વૃદ્ધો એકદમ એકલા હોય છે તો એમને કેમ મોજ ના કરાવી જોઈએ અને તેમને રાજી કરવા જોઈએ. મારી ઈચ્છા રાજ્યના 100 વૃદ્ધાશ્રમની છે કે જ્યાં અમે તબક્કા વાર કાર્યક્રમ આપવાના છીએ. ભાવનગરથી શરૂઆત કરી છે. હું સનાતનમાં માનું છું માટે બધાને હનુમાન ચાલીસા પણ મેં વિતરણ કરી છે"-- ધ્રુવ પંડ્યા (ગિટાર વાદક,ભાવનગર)
100 વૃદ્ધાશ્રમમાં મફતમાં કાર્યક્રમ: બા અને બાપુજી સમાન ગણાતા વૃદ્ધોના હાથ-પગ ભલે ધ્રુજતા હોય પણ સંગીતના વાદ્યોના કંપન્નથી પીડા પ્રસંન્નતામાં ફેરવાશે. ધ્રુવ પંડ્યાએ તેનો પ્રારંભ ભાવનગરના વૃદ્ધાશ્રમથી કર્યો છે. ભાવનગર વૃદ્ધાશ્રમમાં આનંદ હેતુથી પરસોત્તમ માસ નિમિત્તે કાર્યક્રમ દોઢ કલાક માટે યોજવામાં આવ્યો હતો. જેમાં ધ્રુવ પંડ્યાના ગુરુ દક્ષાબેન સહિત સમગ્ર સંગીતની ટીમ હાજર રહી હતી. જો કે કાર્યક્રમની શરૂઆત ભગવાનની ધૂનથી કરવામાં આવી હતી. જેમાં વૃદ્ધોએ પણ પોતાના કંઠનો સાથ આપીને જીવનની આથમતી સાંજને સંગીતના સહારે માણી લીધી હતી.
"સંગીત કાર નવ યુવાનોએ ગાર્ડન રેસ્ટોરન્ટ નહિ પણ આજની યુવા પેઢીને આધુનિક સમયના સંગીત સાથે તાલમેલ મેળવીને સ્થળો પસંદ કરવાની હંમેશા ઈચ્છાઓ રહેલી હોય છે. પરંતુ ભાવનગરના ધ્રુવ પંડ્યાએ યુવાન વયે વૃદ્ધ માતા પિતાની દ્રષ્ટિએ વિચાર કરીને કાર્યક્રમ આપ્યો છે અને આજની યુવા પેઢીને જરૂર પ્રેરણા આપી જાય છે. જો દરેક યુવાન દ્વારા આ પ્રકારની ભાવનાઓ રાખવામાં આવે તો કદાચ વૃદ્ધાશ્રમની સંખ્યા જરૂર ઘટી જશે તેવું માની શકાય ખરું"--વૃદ્ધ મહિલા (કાર્યક્રમ માણનાર,વૃદ્ધાશ્રમ ભાવનગર)
જૂના જમાનાના ગીતો: ગુજરાતી ગીત, ચોમાસાના ગીતો અને ફિલ્મી ગીતોની પેરોડીએ વૃદ્ધોને ફરી યુવાન બનાવી દીધા હોય એવો માહોલ જોવા મળ્યો. કોઈ તાળીઓ પાળતું હતું તો કોઈના પગ બીટની સાથે થીરકતા હતા. તો કોઈ માત્ર હોઠ ફફડાવીને મનથી સાથ આપતું હતું. તો કોઈએ પોતાના સ્વર કોરસ સાથે ભેળવી દીધા. ધ્રુવ પંડ્યાની ટીમ કેટલીક મિનિટો માટે વૃધ્ધોને યુવા અવસ્થામાં લઈ ગઈ હતી. તિસ્કારથી તૂટી ગયેલા દિલમાં ધ્રુવે સંગીતનું રેણ એવી રીતે કર્યું કે, પરિવાર આ જ છે એનો અહેસાસ કરાવી દીધો. મહાન પુણ્ય તો કદાચ આને જ કહી શકાય એવુ માનીને ધ્રુવે બીજા વૃદ્ધાશ્રમમાં જઈને પણ મજા કરાવવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરી લીધી.
કોઈ ચાર્જ નહીંઃ ભાવ સમયના સથવારે ઓસરી જતા હોય છે પણ કોઈ ભાવનાના રંગો દેખાડે એટલે મેઘધનુષ જેવા રંગ જોતા હોય આનંદ આવે. આવું જ કામ કર્યું ધ્રુવે. પણ આના માટે કોઈ પ્રકારના ચાર્જિસ લીધા નથી. કદાચ આને જ સંગીતના માધ્યમથી મોજ કરતા વડીલોના આશીવાર્દ માની શકાય. ETV BHARAT એ ખાસ અહેવાલ બનાવ્યો છે. ગુજરાતમાં કોઈ કિંમત વસૂલ્યા વગર યુવાને કરેલી પહેલને વૃદ્ધોએ આવકારી છે.