ભાવનગર : "મિયા બીવી રાજી તો ક્યા કરેગા કાજી" અહીંયા મિયા અને બીવી બનવા માંગતા યુવક યુવતી માટે કાજી જરૂરી બની જશે. મુખ્યપ્રધાને હાલમાં એક કાર્યક્રમમાં લવ મેરેજને લઇને એક મુદ્દો છેડ્યો હતો. જે હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચોનો વિષય બની ગયો છે. જેમાં યુવક કે યુવતીને લવ મેરેજ માટે મતા-પિતાને અહમ ગણવામાં આવ્યા છે. હજી કાયદો આવ્યો નથી પણ વિચારણા હેઠળ છે.
મુખ્યપ્રધાનનું નિવેદન : મુખ્યપ્રધાને મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન લવ મેરેજ પગલે ટિપ્પણી કરી હતી. મુખ્યપ્રધાને લવ મેરેજમાં માતાપિતાની સહી ફરજિયાત હોવી જોઈએ તેવો મત રજૂ કર્યો હતો. જો કે આ મુદ્દે કોઈ એવો કાયદો નથી પણ આગામી દિવસોમાં સરકાર આ પ્રકારનો કાયદો લાવવા વિચારી શકે છે. આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવી ગયો છે. ETV BHARATએ ભાવનગરની કેટલીક યુવતીઓ સાથે આ મુદ્દા પર વાતચીત કરી હતી. લવ મેરેજ કરનાર યુવક યુવતીઓ ભલે તૈયાર હોય પણ જો સરકાર કાયદો લાવશે તો યુવક યુવતીની સંમતિ સાથે વાલીની સંમતિ જરૂરી બની જશે. આથી લવ મેરેજ કરતા પહેલા માતાપિતાને મનાવવા જરૂરી બની જશે.
યુવતિઓની પ્રતિક્રિયા : યુવતીઓએ પોતાનો મત રજૂ કરતા જણાવ્યું હતું કે, સંતાનોએ માતા પિતાનું સન્માન કરવું જોઈએ તેમજ માતા પિતાએ પણ બાળકોને સમજવા જોઈએ. અમુક યુવતીઓ દ્વારા મુખ્યપ્રધાનના આ નિવેદનને સાચું ઠેરવવામાં આવ્યું હતું. આજના સમયમાં યુવક અને યુવતીઓ બંને રાજી હોય એટલે માતા પિતાની કોઈ પરવા કરતું નથી. ત્યારે આ પ્રકારનો કાયદો આવે તો માતા પિતાની કિંમત પણ યુવક યુવતીઓને સમજશે. કારણ કે માતા-પિતા દ્વારા નાનપણથી મોટા કરીને પોતાનું જીવન સમર્પિત કર્યું હોય છે. આથી તેમના ભાવને તો સમજવો જોઈએ.