ભાવનગર : મનુષ્યની જિંદગીનું અંતિમ સફરનું છેલ્લું પગથિયુ સ્મશાન હોય છે, ત્યારે પશુઓ માટે પણ અંતિમ પગથિયું સ્મશાન હોવું જોઈએ તે સમજીને ભાવનગર મહાનગરપાલિકાએ એક ડગલું ભર્યું છે. 2015 થી પ્રયત્ન કરતા નગરસેવક જ્યારે 2023 માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનતાની સાથે પશુ સ્મશાન બનાવવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. જે તે સમયે ઊંચા પદ પર બેઠેલા પદાધિકારીઓને પત્રો લખવા છતાં કોઈ નિર્ણય થયો ન. પરંતુ મૃત પશુ મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર મેળવે તેવા હેતુથી અમલમાં આવી રહ્યું છે.
2015 થી ચાલતો પ્રયત્ન હવે સાકાર થશે : સામાન્ય માણસ મૃત્યુ પામે તો તેનો અંતિમ સફર એટલે સ્મશાનનું સ્થાન હોય છે. પરંતુ અનેક પશુઓ પણ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામતા હોય છે તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી, વ્યવસ્થા હોય છે તો ત્યાંથી મહાનગરપાલિકાના મૃત પશુ વિભાગ દ્વારા પશુને ઉઠાવીને શહેરના બાહ્ય વિસ્તારમાં ખુલ્લામાં છોડી દેવામાં આવતું હોય છે. જોકે આ તેની યોગ્ય પદ્ધતિ નથી, ત્યારે ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે તેઓ 2015 થી 2020 દરમિયાન નગરસેવક તરીકે હતા અને હેલ્થ વિભાગના ચેરમેન હતા એ દરમિયાન તેમણે એક પત્ર જે તે સમયે મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારીને લખ્યો હતો. પરંતુ કોઈપણ કારણે તેમાં કાર્યવાહી આગળ ચાલી ન હતી.
મૃત પશુના પણ થશે અંતિમ સંસ્કાર : સામાન્ય માણસનું મૃત્યુ થાય તો સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ પશુઓના મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર મોટાભાગે જ કોઈએ જોયા હશે. કારણ કે પશુના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર નહીં પરંતુ મોટાભાગે દફનવિધિ થતી હોય છે અથવા જાહેર મનુષ્ય વસ્તીથી દૂર ખુલ્લામાં ફેંકવામાં આવતા હોય છે. પરંતુ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે 2015માં તેમને મૃત પશુઓના એક સ્મશાન બનાવવાનો વિચાર હતો, ત્યારે તેઓ આજે જ્યારે ચેરમેન બન્યા છે ત્યારે તેઓ આ કાર્ય કરી શકતા હોવાથી એક પશુ સ્મશાન બનાવવાની તૈયારી હાથ ઉપર લીધી છે.
પશુ સ્મશાન માટેનો ડીપીઆર પણ થઈ ગયો છે. આગામી દિવસોમાં કુંભારવાડાના ડંપિંગ સાઈટ આજુબાજુમાં બનાવવાનો વિચાર વણાઈ રહ્યો છે. જો કે એક સામાન્ય મનુષ્યને જે રીતે અગ્નિસંસ્કાર આપવામાં આવે તે રીતે પશુઓને પણ અગ્નિસંસ્કાર માટેની એક સુવિધા ઉભી કરવાનો પ્લાન હાલ પાઇપલાઇનમાં છે...રાજુ રાબડીયા ( ચેરમેન,સ્ટેન્ડિંગ કમિટી,ભાવનગર મનપા )
વર્ષે કે મહિને કેટલા પશુના મોત : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગ અંતર્ગત મૃત પશુઓને ઉઠાવવાની જવાબદારી છે. સોલિડ વેસ્ટ વિભાગના મૃત પશુ ઉઠાવતા વિભાગમાંથી જાણવા મળ્યું હતું કે ચોક્કસ આંકડો તો કર્મચારી રજા ઉપર હોવાને કારણે આપી શકાય તેમ નથી. પરંતુ જે એવરેજ છે તે દર મહિને ભાવનગર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળીને મહિને અંદાજે 550 થી 600 જેટલા પશુઓના મૃત્યુ થાય છે તેને ઉઠાવવામાં આવે છે. જ્યારે શિયાળો હોય ત્યારે રોજના 80થી 90 શ્વાન મૃત્યુના બનાવો બનતા હોય છે. શહેરમાં બે રિક્ષાઓ મૃત પશુ ઉઠાવવા માટે ચાલે છે. જો કે તેના શહેરના બાહ્ય વિસ્તારમાં માનવ વસ્તીથી દૂર નિકાલ કરવામાં આવે છે. ખાસ કરીને શ્વાન અને બિલાડીના મૃત્યુના વધુ બનાવો બને છે, ત્યારબાદ ગાય, બકરી, કબૂતર કે બગલા જેવા પક્ષીઓના મોતના કિસ્સાઓ ઘટતા હોય છે.