ભાવનગર : ભાવનગર શહેરમાં લોકસભાની ચૂંટણીના પગલે ચૂંટણી પંચ દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. હાલમાં બીએલઓના ઓર્ડર કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક શિક્ષકો માટે હાજર થવાના આદેશ બાદ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મામલતદાર આમને સામને થઈ ગયા હતાં. મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘની માંગ હતી કે રજાના દિવસે બોલાવવામાં આવી રહ્યા છે અને સંઘ દ્વારા અગાઉ પણ લેખિત જાણ કરી હોય જેનો જવાબ પણ આપવામાં આવ્યો નથી. ત્યારે શિક્ષકો રાષ્ટ્રીય કામગીરીની મનાઈ તો નથી કરી રહ્યા પરંતુ તેમની માંગને પગલે ઘટતું કરવું જોઈ નહીંતર હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડશે.
ચાર બહેનોને રજામાં બીએલઓ હાજર થવા આદેશ : ભાવનગર સિટી મામલતદાર કચેરી દ્વારા ગત શનિવારના રોજ ચાર શિક્ષકોને બીએલઓ તરીકે હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ આ સમયે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે મામલતદાર સાથે નોટિસના જવાબમાં હાજર થવા પગલે સહી નહીં કરવા બાબતે ભારે બોલાચાલી થઈ હતી. અંતમાં ચાર શિક્ષકોએ સહી ના કરી અને સંઘની સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે બીએલઓ કામગીરીને પગલે વિરોધ વ્યક્ત કર્યો છે પણ રાષ્ટ્રીય કામગીરી કરવાની ના નથી પાડી તેમ તેના પ્રમુખે જણાવ્યું હતું.
મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘનો વિરોધ કેમ : ભાવનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોનું એક મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ છે. ભાવનગરની વિધાનસભા 104 અને 105 માટે હાલમાં BLO તરીકે ચૂંટણી પંચ દ્વારા ઓર્ડરો કરવામાં આવ્યા છે.
મૂળ મુદ્દો એવો છે કે 440 ભાવનગર 104 અને 105 વિધાનસભામાં બીએલઓ કામ કરી રહ્યા છે, તેમાંથી 240 જેટલા માત્ર શિક્ષકો છે. છેલ્લે ચૂંટણી પંચે જે આદેશ કર્યો છે. અમારા ઉપલા સંઘે જે રજૂઆત કરી એના અનુસંધાને ચૂંટણી પંચે છેલ્લો પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં સ્પષ્ટ ગાઈડ લાઈન આપી છે. તેમાં જે તે વિભાગના જે તે મહેકમને ધ્યાનમાં લઈને શિક્ષકોને ઓછી કામગીરી સોંપવામાં આવે તેવી કામગીરી કરવાની હતી અન્ય કોઈ વિભાગમાંથી બીએલઓ રદ થાય એટલે શિક્ષકોને લેવામાં આવે છે... શૈલેષ ધાંધલા (પ્રમુખ,ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ )
શિક્ષક સંઘના મતે ચૂંટણી પંચના નામે શોષણ કેમ : મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ વધુમાં જણાવ્યું હતું કે શ્રમ આયોગનો સીધો નિયમ છે. જેમાં કોઈપણ વ્યક્તિ પાસેથી આઠ કલાક ઉપરાંત કામગીરી લઈ શકાય નહીંમ આ કામગીરી એવી છે કે જેમાં શાળા સમય બાદની હોય છે. સવારે 10:30 કલાકે શિક્ષક શાળાએ આવે અને 5.30 કલાકે જાય છે એટલે આઠ કલાક પૂરી થઈ ગઈ. સામાજિક દ્રષ્ટિએ જુઓ તો તેને ઘર હોય, પરિવાર હોય અને સામાજિક કામ પણ શિક્ષકોને હોય છે. BLO માં ઓન ડ્યુટી કામગીરી આપવામાં આવતી નથી એટલે સામાજિક પ્રકારે ચૂંટણી પંચના નામે ચૂંટણીને લઈને સંપૂર્ણ શોષણ કરવામાં આવે છે.
શિક્ષકોનો કામગીરીનો વિરોધ નથી પણ : મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે હમણાં અમારો જે મુદ્દો છે એ ખાસ કરીને બહેનોને ઓર્ડર કર્યા છે તે છે. તેમાં પણ અમારો વિરોધ નથી, વિરોધ અમારો એટલો છે કે બહેનોના ઓર્ડર કરો તો સામૂહિક કરો તેમજ જે બીએલઓ 10 થી 12 વર્ષથી કામ કરે છે તેને મુક્ત કરો. શારીરિક શોષણ ન કરો અને એને ઓન ડ્યુટી અપાવો. જે આ બાબતની કામગીરી કરે અને ખૂબ મોટા પ્રમાણમાં અમારું શોષણ થઇ રહ્યું છે. એવું અમારું સ્પષ્ટ માનવું છે. બંધારણની કલમની જોગવાઈ મુજબ, આરટીઇની જોગવાઈ મુજબ આ ખોટું થઈ રહ્યું છે એ અમારું સ્પષ્ટ માનવુ છે. જે અમારા કાગળનો જવાબ સારી રીતે અને કોઓપરેટ કરીને નહીં આપે તો અમારે હાઇકોર્ટમાં જવાની તૈયારી છે અને તેમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી યુનિયન જશે. બીએલઓ માંથી સદંતર દૂર કરવામાં આવે તેવું માનવું છે.
કલેકટરે આપી પ્રતિક્રિયા : સિટી મામલતદાર કચેરીએ ચાર શિક્ષકોને હાજર થવાની નોટિસ બાદ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સીટી મામલતદાર વચ્ચે થયેલી બોલાચાલી પગલે કલેકટરને ઇટીવીએ પૂછતા તેમને જણાવ્યું હતું કે કામગીરી રાષ્ટ્રીય કામગીરી સાથે જોડાયેલી કામગીરી છે. એમાં જુદા જુદા તબક્કે જુદા જુદા અધિકારીએ કર્મચારીની જરૂર પડતી હોય છે.
આપણે ત્યાં 1800 ઉપરાંતના મથકો છે. છેલ્લે આપણે ત્યાં મતદાર યાદીની ઝુંબેશ થઈ એ સંદર્ભે કેટલાક મતદાન મથકો વધે એમ છે. તમને ખ્યાલ હશે કે કેમ કરીને બદલીઓ થઈ છે. અમુક કર્મચારીની બદલીઓ થતી હોય છે સમયાંતરે. આ પૈકી કેટલાક નિમણૂક થતી હોય છે. એ લોકોની માંગ રહી છે કે અમને ના મૂકે પણ આ કોઈકે તો કામગીરી કરવાની હોય છે. અમે લોકો પ્રયત્ન કરતા હોય છે કે નાના-મોટા પ્રશ્ન હલ કરતા હોઈએ છીએ. પરંતુ કામગીરી નહીં કરીએ એ સેન્સેટિવ બાબત નથી. અમે તેને સાંભળવાની તક આપીએ છીએ. પરંતુ મારી માહિતી મુજબ બે વખત નોટિસ આપ્યા બાદ ઉપસ્થિત થયા નથી. હવે એ લોકોને આગળના માટે નિયમાનુસાર કાર્યવાહી કરવાની ફરજ ન પડે તે આપના મારફત અનુરોધ કરીએ છીએ. રાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ આપે તેવી વિનંતી કરું છું...
આર. કે. મહેતા ( કલેકટર )
શિક્ષાત્મક કાર્યવાહી કઈ રીતે થઈ શકે : રાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ ન આપે એ બાબતે શું શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે ? તે બાબતે કલેક્ટરને પૂછતા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે એ સક્ષમ અધિકારી પાસે અમે મુકીયે એ કાર્યવાહી કરી શકે છે.ચૂંટણી કામગીરીમાં હુકમ થાય એટલે ડિસિપ્લિન ઓથોરિટી ચૂંટણી પાસે જતું રહે છે. એ પછી જે કાર્યવાહી હોય તે સક્ષમ ઉચ્ચ અધિકારી કરે છે. જેની જરૂર હોય તેને બોલાવે જેની જરૂર ના હોય તેને ના બોલાવે. ગઈ વખતે અમારે કામગીરી ચાલતી હતી જેમાં ખૂબ સરસ કામગીરી કરી છે. મોટાભાગના શિક્ષણ વર્ગમાંથી જ આવેલા હશે, જેઓ ઘરે ઘરે જઈ એનરોલમેન્ટની સારી કામગીરી કરી હશે. જેનું કામ પતી ગયું તેને વહેલા છૂટા પણ કરીએ કરી દઈએ છીએ. વ્યક્તિગત તકલીફ હોય તે પોતાના મથકના મામલતદાર, પ્રાંત અધિકારીને જાણ કરી શકે છે.