ભાવનગર : બિહારના બિહારના સીએમ નિતીશકુમાર મહિલાઓ પર કરેલી ટિપ્પણીને પગલે દેશમાં મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ભાવનગર ભાજપ મહિલા મોરચા દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભાવનગરમાં મહિલા મોરચાએ પૂતળાદહન કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ સહિત ચૂંટાયેલા હોદેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નિતીશકુમારની ટિપપ્ણીનો વિરોધ : બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર દ્વારા મહિલાઓ અંગેના બીભત્સ નિવેદન પગલે ભાવનગર શહેર ભાજપ મહિલા મોર્ચો વિરોધમાં ઉતર્યો છે.
મહિલાઓ માટે પચાસ ટકા અનામત સહિત ઉજવલા કનેક્શન, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજનાઓ જેવી મહિલા સશક્તિકરણ માટેની અગણિત યોજનાઓ અમલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મૂકી રહ્યા છે. નારી શક્તિમાં અખૂટ વિશ્વાસ ધરાવતા હોય ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે મહિલાઓ માટે જે દુરાચારી, અસંસ્કારી અને બીભત્સ ટિપ્પણીઓ કરી તેના વિરોધ કરીયે છીએ...કોમલબેન માંગુકિયા ( મહિલા મોરચા પ્રમુખ )
નિતીશકુમારે માફી માગી લીધી છે : જો કે નિવેદન બાદ ભારે હોબાળો મચતાં નિતીશકુમારે પોતે બોલેલા શબ્દોને લઈને માફી પણ માગી લીધી છે, ત્યારે બીજી તરફ દેશમાં મહિલાઓ વિશે થયેલા નિવેદનને પગલે ચારે તરફથી ફિટકાર પણ વરસી રહી છે. જેના પ્રત્યાઘાત ભાવનગરમાં પણ પડ્યા હતા અને શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પૂતળાદહન કરાયું : ભાવનગર શહેર ભાજપ મહિલા મોર્ચો નિતીશકુમાર સામે મેદાને પડ્યો હતો. શહેર ભાજપ મહિલા મોર્ચા દ્વારા કાળાનાળા ચોક ખાતે નિતીશકુમારના પૂતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. પૂતળા દહન કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ, પાર્થભાઈ ગોંડલીયા, નરેશભાઈ મકવાણા તેમજ શહેર ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ કોમલબેન માંગુકિયા અને મહિલા મોર્ચાના હોદ્દેદારો સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ઠ આગેવાનો, ચુંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
અપશબ્દ બોલ્યાં : મહિલા મોરચાના પ્રમુખ કોમલબેને વધુમાં જણાવ્યું હતું કે બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમારે વિધાનસભા પરિસરમાં જે બહેનો વિશે અપશબ્દ બોલ્યા છે જે આપણે ઘરમાં પણ બે સભ્યો બોલી શકે નહીં. આથી મહિલાઓનું અપમાન થયું છે જે સાંખી લેવાશે નહી. અમે વિરોધ કરીયે છીએ અને નિતીશકુમારે રાજીનામુ આપવું જોઈએ તેમ અમે બહેનો માનીએ છીએ. જેનો અમે અહીંયા બધી મહિલાઓએ વિરોધ કર્યો છે.