ભાવનગર : "આવી નવલી નોરતાની રાત" ભાવનગર શહેરમાં નવરાત્રીનો માહોલ સંપૂર્ણપણે જામી ગયો છે. જાહેર રસ્તા ઉપર મન લોભાવતી ચણીયાચોળી યુવતીઓને આકર્ષી રહી છે. અલગ અલગ પ્રકારની ચણીયાચોળીને નિહાળવા માટે અને તેની કિંમત જાણવા માટે મહિલાઓની જાહેર રસ્તા ઉપર થોભી જતી જોવા મળી રહી છે. આ વર્ષે કઈ ચણીયાચોળીની માંગ વધુ છે ચાલો જાણીએ.
જાહેર રસ્તા ઉપર ચણીયાચોળીની કતાર આકર્ષણનું કેન્દ્ર : નવરાત્રીમાં ગરબે રમવા માટે યુવતીઓ પોતાના પહેરવેશ એટલે ચણીયાચોળી ઉપર પોતાની બારીક નજર ઉતારતી હોય છે, ત્યારે ભાવનગર શહેરની કાળિયાબીડ પાણીની ટાંકીથી જવેલ્સ સર્કલના રસ્તા ઉપર જાહેર રસ્તામાં ચણીયાચોળી વેચનારાઓની લાંબી કતારો લાગી છે. વિવિધ પ્રકારની અને વિવિધ ડિઝાઇનમાં રહેલી ચણીયાચોળી મહિલાઓ અને યુવતીઓને આકર્ષિત કરી રહી છે. રંગબેરંગી અને ભરતકામથી ભરપૂર ચણીયાચોળી યુવતીઓના ઊભા રહેવા મજબૂર કરી રહી છે.
એક જ ચણીયાચોળીની માંગ વચ્ચે કેટલા પ્રકાર : ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર ચણીયાચોળી વેચવા આવેલા લોકો અમદાવાદ તરફથી આવ્યા છે. ત્યારે ચણીયાચોળી વહેચતા અજયભાઈએ જણાવ્યું હતું કે તેમની પાસે 12 પ્રકારની ચણિયાચોળી છે, તેઓ ખાસ કરીને અમદાવાદથી વિવિધ પ્રકારની ચણીયાચોળી લાવીને અહીંયા વેચવા આવ્યા છે. જાહેર રસ્તા ઉપર ચણીયાચોળી ટીંગાડીને તેઓ વ્યાપાર કરી રહ્યા છે.
રાજસ્થાન,વડોદરા,સુરત અને અમદાવાદની ગુજરાતી ચણીયાચોળી અમારી પાસે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. 1500 થી 2200 સુધીની અમે ચણીયાચોળી રાખીયે છીએ. હજુ લોકોની પૂરતી માંગ વધી નથી પણ બે પાંચ દિવસમાં નવરાત્રી નજીક આવતા યુવતીઓની ભીડમાં હજુ વધારો થશે તેવું લાગે છે. ..અજયભાઈ પરમાર (વિક્રેતા )
યુવતીઓની નજરે એક ચણીયાચોળી બેસ્ટ : જાહેર રસ્તા ઉપર વહેંચવામાં આવતી ચણીયાચોળીને લઈને અનિતાબેન નામની યુવતીએ જણાવ્યું હતું કે ખાસ કરીને 1500થી લઈને 2500 સુધી ચણીયાચોળી અહીંયા જોવા મળી રહી છે. જો કે બહારની ભાડે લાવવામાં આવે તો તેની કિંમત પણ તેટલી જ થઈ જાય છે. આથી નવી લેવામાં વધારે અનુકૂળતા રહે છે. ખાસ કરીને અંબરેલા ઘેર યુવતીઓને વધારે પસંદ પડી રહી છે. ભરતકામ કરતા અંબરેલા ઘેરમાં યુવતીઓને પસંદ ઉતરી રહી છે, ત્યારે બીજી તરફ ચણીયાચોળીનો ઘેરો જેટલો વધારે હોય તે યુવતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.