ભાવનગર : શહેરમાં શ્વાનની વધેલી સંખ્યાને પગલે શ્વાન કરડવાની પણ ઘટનાઓ વધી રહી છે, ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં પણ શ્વાન કરડવાના કેસો નોંધાઈ રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં શ્વાન કરડવાના કેસોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર અને શહેરની મુખ્ય સર.ટી. હોસ્પિટલમાં આજે પણ આંકડો એટલો જ જોવા મળી રહ્યો છે.
શ્વાન કરડવાના નોંધાતા કેસ : શહેરમાં આશરે સાત લાખથી વધારે વસ્તી આવેલી છે. ત્યારે શ્વાન કરડવાને પગલે આરોગ્ય કેન્દ્ર અને સર.ટી. હોસ્પિટલમાં કેસોનો વધારો થવા પામ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે. સિન્હાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના 15 જેટલા આરોગ્ય કેન્દ્ર ઉપર એપ્રિલ 2023થી લઈને 25 ઓક્ટોબર સુધીમાં 1064 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયેલા છે, જ્યારે સર.ટી. હોસ્પિટલમાં પણ શ્વાન કરડવાના કેસો નોંધાતા હોય છે.
2020થી લઈને આજ દિન સુધીમાં 15,000 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવેલું છે, ત્યારે એક શ્વાન પાછળ 1,000 નો ખર્ચ કરીએ છીએ. એટલે કે 1.50 કરોડ જેવો ખર્ચ ત્રણ વર્ષમાં કર્યો છે. શ્વાન કરડવાના કેસો સૌથી વધારે સર.ટી. હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે સર.ટી. હોસ્પિટલના આરએમઓએ શ્વાન કરડવાની વિગત પૂરી પાડી હતી. જેમાં જુનમાં 2298, જુલાઈમાં 1915, ઓગસ્ટમાં 1734 અને સપ્ટેમ્બરમાં 1948 કેસો નોંધાયેલા છે. ઓક્ટોમ્બર માસના આંકડાઓ પુરા પાડવામાં અસમર્થ રહ્યા હતા. - એમ. એમ. હિરપરા, મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ અધિકારી
શ્વાન ખસિકરણ પગલે શું પગલાં ભરાયા ? શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા શ્વાનની સંખ્યાને કાબુમાં રાખવા માટે ખસીકરણનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા 15,000 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેની પાછળ 1.50 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. મતલબ કે મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચી ચૂકી છે, પરંતું પરિણામ તમારી સામે જ છે.