ભાવનગર : શહેર અને જિલ્લામાં લાંબા સમયથી વરસાદ થોભી ગયો હતો. ત્યારે ગતરોજ શ્રાવણમાં જન્માષ્ટમીના દિવસે મોડી રાત્રે ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જિલ્લામાં ઘણા સમયથી બફારાનું પ્રમાણ વધી ગયું હતું. રાત્રે પણ લોકો ગરમી અનુભવી રહ્યા છે. ત્યારે શ્રાવણ મહિનાના વાદળછાયા વાતાવરણ વચ્ચે અડધો કલાક આવેલા ધોધમાર ગાજવીજ સાથેના વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું હતું. જેને પગલે શહેરના રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા.
મેઘરાજાની એન્ટ્રી : ભાવનગર શહેરમાં લાંબા સમયથી મેઘરાજાએ વરસવાનું બંધ કરી દીધું છે. જેને પગલે બફારાના પ્રમાણમાં પણ વધારો થયો છે. તો બીજી બાજુ ખેડૂતોને પણ ચિંતાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે તરસ્યાને કૂવો મળે તે રીતે શ્રાવણના સરવડાને બદલે ધોધમાર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટમીએ મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદ વરસતા લોકોને બફારામાંથી રાહત મળી હતી. શહેરમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
વીજળી ગુલ : ભાવનગર શહેરમાં લાંબા સમયથી થોભી ગયેલા વરસાદ અચાનક આવી પડે તો લોકોને આનંદ જરૂર પડે છે. ભાવનગરમાં પણ શ્રાવણ માસના શ્રાવણી સરવડાના વરસવાને બદલે ધોધમાર વરસાદ વરસતા પરિવાર સાથે બહાર નીકળેલા લોકોને ધોધમાર વરસાદમાં ભીંજાવાની ફરજ પડી હતી. ધોધમાર આવેલા શ્રાવણી વરસાદમાં મેળા અને મંદિરે ફરવા ગયેલા લોકોને હાલાકી પડી હતી. જો કે શહેરના રસ્તાઓ અને ગલીઓમાં પાણી વહેતા થયા હતા. વરસાદના ભરાયેલા પાણીને કારણે લોકોને ભારે હાલાકી અનુભવી પડી હતી. થોડા સમય માટે કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થવાના કિસ્સા બન્યા હતા.
જન્માષ્ટમીના આયોજનમાં વિઘ્ન : ભાવનગર શહેરમાં અનેક સ્થળો ઉપર જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મટકી ફોડ જેવા જાહેર કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. આ આયોજનમાં મેઘરાજાએ વિઘ્ન ઊભું કરી દીધું હતું. રાત્રીના સમયે અચાનક મોડી રાત્રે આવેલા વરસાદથી દરેક કાર્યક્રમમાં અડચણ થઈ હતી. જોકે 12 કલાકે કૃષ્ણ જન્મ હોઈ ત્યારે 8.30 થી 9.15 કલાક સુધી વરસેલા વરસાદના કારણે અનેક સ્થળો પર આયોજનમાં વિઘ્નો ઉભા થયા હતા. મંદિરમાં અંદર રાખવામાં આવ્યા હોય તેવા કાર્યક્રમોને કોઈ વિઘ્ન નથી. પરંતુ જન્માષ્ટમીએ મેઘરાજાએ જરૂર કૃષ્ણના આગમન પહેલા હરખ વ્યક્ત કરી દીધો છે.