ભાવનગર: શહેરમાં 2013ની સાલમાં વળિયા કોલેજ સામે આવેલા હનુમાનજીના મંદિર પાસે પિતા અને પુત્ર ઉપર પોલીસની હાજરીમાં પાંચ જેટલા શખ્સોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં બે લોકોને ઈજા થઈ હતી તેમાં એક પોલીસ કર્મી પણ હતો. પરંતુ જે પિતા પુત્ર ઉપર હુમલો થયો એ બંનેના મૃત્યુ નીપજ્યા હતા. જો કે બનાવ સમયે હુમલો કરનાર પકડાયેલા પાંચ આરોપી આજદિન સુધી જેલમાં હતા. ત્યારે કોર્ટમાં કેસ ચાલી જતા પાંચે શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. જો કે હત્યાનું કારણ વિચારમા મૂકે તેવું છે.
ફરિયાદ નોંધાવવામાં આવી: 2013 માં પિતા પુત્રની હત્યા જાહેર રોડ પર થઈ ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલી વળીયા કોલેજની દિવાલ પાસે પિતા પુત્રની હત્યા થઈ હતી. જો કે આ પિતા પુત્રને 151 કલમ જેવા ગુનામાં જામીન લેવા માટે સીટી મામલતદાર કચેરીએ પોલીસ લઈને જઈ રહી હતી. ત્યારે પાછળથી આવેલા પાંચ શખ્સોએ તીક્ષણ હથિયાર વડે જેન્તી પોપટ મકવાણા અને વિનોદ જયંતિ મકવાણા ઉપર હુમલો કર્યો હતો. જેને પગલે બંને પિતા પુત્રના ઘટના સ્થળે મૃત્યુ નીપજયા હતા. ત્યારે મૃતક જેન્તી પોપટ મકવાણાનો અન્ય એક પુત્ર હાર્દિક જેન્તી મકવાણા ગંભીર હાલતે ઇજા પામ્યો હતો. ત્યારે ત્રણેય શખ્સોને લઈને જતા પોલીસ કર્મી દિવ્યરાજસિંહ નિર્મળસિંહ રાણા ઉપર પણ હુમલો થયો હતો. આમ સમગ્ર બનાવને લઈને પોલીસ કર્મી દ્વારા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આજીવન કેદની સજા: ભાવનગરમાં વિદ્યાનગરમાં 16/9/ 2013માં પિતા પુત્ર ઉપર હુમલો થતાં જેન્તી પોપટભાઈ મકવાણા અને વિનોદ જયંતીભાઈ મકવાણાની ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક જયંતિ પોપટભાઈ મકવાણાના અન્ય પુત્ર હાર્દિક જયંતિ મકવાણાને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે આ ત્રણેયને અગાઉના ગુનામાં જામીન માટે લઈને જતા પોલીસ કર્મી દિવ્યરાજસિંહ નિર્મળસિંહ રાણા બચાવવા જતાં તેને પણ ઇજાઓ થવા પામી હતી. ત્યારે બનાવને પગલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પાંચ આરોપી ને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ પાંચ આરોપીઓ આજ દિન સુધી જેલમાં હતા. ત્યારે ભાવનગર કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ 37 સાક્ષીઓ,દલીલોને પગલે પાંચેય શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે એક મહિલાને શંકાના આધારે નિર્દોષ છોડી મૂકવામાં આવી હતી.
નિર્દોષ જાહેર કરી મુક્ત: સજા પામનાર પાંચ આરોપીઓ કોણ અને મુક્ત થયેલી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સજા પામનાર પાંચ શખ્સોમાં રાજુ પોપટ ઉર્ફ જીવા રાઠોડ,જીતેશ ઉર્ફે જીતુ પોપટ ઉર્ફે જીવાભાઈ રાઠોડ, જેન્તી ઉર્ફે ગેમલ ચીથરભાઈ મકવાણા, પ્રવીણ ઉર્ફે સાયમન્ડ પ્રતાપભાઈ ચૌહાણ અને સંજય પ્રતાપભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. જ્યારે આ ફરિયાદના છઠ્ઠા આરોપી રેખાબેન જેન્તીભાઈ ઉર્ફે ગેમલ ચીંથરભાઈ મકવાણાને શંકાના દાયરામાં હોવાથી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના પાછળનું કારણ: હત્યાના બનાવ પાછળનું કારણ સૌને ચોંકાવી દે તેવું છે. મૃતક અને આરોપીઓ કરચલિયા પરા વિસ્તારમાં રોડ ઉપર બમ્પ બનાવાને પગલે અનેક વખત ઝઘડો અને મારા મારી કરી ચૂક્યા હતા. ત્યારે 2013માં સામ સામી ફરિયાદમાં મૃતક જેન્તી પોપટ મકવાણા અને વિનોદ જેન્તી મકવાણા સામે નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે બંનેની 151 હેઠળ પકડવામાં આવ્યા હતા. ત્યારે આ બંને મૃતકોને લઈને પોલીસ કર્મી દિવ્યરાજસિંહ નિર્મળસિંહ રાણા સિટી મામલતદાર ખાતે જામીન અપાવવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓએ પૂર્વવત કાવતરું ઘડીને હત્યાને અંજામ આપ્યો હતો. આથી પોલીસ જાપ્તામાં હુમલો કરનાર આરોપીઓ સામે ફરજ રૂકાવટની પણ કલમ લગાવાઇ હતી.