ભાવનગર : આધારકાર્ડ ધારકોને લાલચ આપીને જાણ બહાર તેમના મોબાઈલ નંબર બદલી બોગસ પેઢી બનાવતા શખ્સોને ખુલતા નામ વચ્ચે GST એ વધુ એક ફરિયાદ નોંધાવી છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જ બીજી ફરિયાદ નોંધાતા બોગસ બીલિંગ કેસમાં આરોપીઓની કતાર લાગી રહી છે, ત્યારે 8 પેઢી કઈ અને કોણ સંડોવાયેલા જાણો.
GST વિભાગે ફરી નોંધાવી ફરિયાદ : ભાવનગર શહેરના બહુમાળી ભવનમાં આવેલી રાજ્ય વેરા નિરીક્ષક અન્વેક્ષણ વિભાગ 9 કચેરીના અધિકારી અખિલ પંડ્યા દ્વારા શહેરના વડવામાં સીદીના તકીયા પાસે આવેલી આલ્ફા એકાઉન્ટન્સીમાં દરોડામાં બોગસ બીલિંગ મામલે બાતમીના આધારે બિલ બનાવતો શખ્સ મળી આવ્યો હતો. બોગસ બીલિંગ પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં GST વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
શું મળી આવ્યું GSTને : આલ્ફા એકાઉન્ટન્સીમાં દરોડા દરમિયાન GST વિભાગને કુરેશી મહંમદ ઝૈદ અબ્દુલસમદ મળી આવ્યો હતો. GSTની તપાસમાં કુરેશી મહંમદ પાસેથી એક લેપટોપ અને 2 મોબાઈલ મળી આવ્યા હતા. લેપટોપમાં 8 પેઢીના બિલો બનાવતો હોવાનું કુરેશીએ GSTને જણાવ્યું હતું. જોકે તે એક પણ પેઢીના માલિકને ઓળખતો નહોતો. ત્યારે આ બિલો તેને શિશુવિહારમાં રહેતા શખ્સોએ આપેલા મોબાઈલના આધારે વોટ્સએપમાં આવતા પેઢીના નામો પ્રમાણે પેઢીના બિલો અને ઇ વેબીલ પણ બનાવતો હતો. GSTએ બાદમાં નિલમબાગ પોલીસને મુદ્દામાલ સાથે બોગસ બીલિંગ પગલે ફરિયાદ નોંધાવી છે. જેમાં કુરેશી મહંમદ ઝૈદ અબ્દુલ સમદ , અનિક પાંચા, સમીર પાંચા અને અમીન પાંચા સામે ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં GSTએ નોંધાવી છે.
કઈ પેઢીના બિલો બનાવતા હતા : GSTએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં કુરેશી મહંમદે 8 પેઢીના બિલ બનાવતો હોવાનું જણાવ્યું છે જેમાં ચેસ્ટા એન્ટરપ્રાઇઝ, જે.ડી. એન્ટરપ્રાઇઝ, મહાદેવ એન્ટરપ્રાઇઝ, પારસ એન્ટરપ્રાઇઝ, શ્રી રામ એન્ટરપ્રાઇઝ, વિનાયક એન્ટરપ્રાઇઝ, વિશ્વા એન્ટરપ્રાઇઝ અને વી.કે. એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Bhavnagar Crime : આધારકાર્ડ ધારકોને અંધારામાં રાખીને સરકાર સાથે ઉચાપત કરતા શખ્સો ઝડપાયા
GSTએ કેટલી પેઢીના માલિકના નિવેદન લીધા : GSTએ નોંધાવેલી ફરિયાદ બાદ નિલમબાગ પોલીસે હાલ એકની અટક કઈ છે. પોલીસ સ્ટેશનના PI પી.ડી. પરમારે જણાવ્યું હતું કે, હાલમાં એકની અટકાયત કરવામાં આવી છે અને તેનો હાલ પ્રથમ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જ્યારે GSTએ કરેલા દરોડા ખુલેલા પેઢીના નામમાં કુરેશી મહંમદએ જણાવેલી પેઢીના માલિકો પ્રમાણે દરેક માલિકના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં જે.ડી. એન્ટરપ્રાઇઝ, પારસ એન્ટરપ્રાઇઝ, શ્રી રામ એન્ટરપ્રાઇઝ, વિનાયક એન્ટરપ્રાઇઝ, વિશ્વા એન્ટરપ્રાઇઝ અને વી.કે. એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : અમદાવાદ: બનાવટી દાખલા અને આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ
બોગસ બીલિંગમાં SIT પણ તપાસ કરી શકે : ભાવનગરના પાલીતાણા અને શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આધારકાર્ડ ધારકોને લાલચ આપીને આધાર કેન્દ્ર સુધી લાવીને આધારકાર્ડ ધારકને અંધારામાં રાખીને મોબાઈલ નંબર બદલી બાદમાં બોગસ બીલિંગ માટે પેઢી બનાવવામાં આવતી હતી. બે ફરિયાદ બાદ રાજ્યના DGPએ એક SITની રચના કરી છે. SIT અને સાયબર સેલએ મળીને બોગસ બીલિંગમાં બે કેસમાં 16 આરોપીઓને પકડ્યા છે. તેવામાં હવે ત્રીજી ફરિયાદ બોગસ બીલિંગની થતા SIT તપાસ કરી શકે છે. જોકે હજુ ફરિયાદ પ્રમાણે એક શખ્સ બિલ બનાવતો ઝડપાયો છે, જ્યારે બિલ બનાવવા જણાવતા ત્રણ શખ્સો પોલીસના હાથમાં આવ્યા નથી. જોવાનું એ રહેશે કે બોગસ બીલિંગમાં આંકડો કરોડોમાં ક્યાં પહોંચે છે.