ભાવનગર : દેશમાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની ભાવનગર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગારીયાધાર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં દરેક સરકારી સંસ્થાઓ અને વિવિધ કચેરી ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશ ભક્તિના રંગે સમગ્ર શહેર અને જિલ્લો રંગાયો હતો. ગારીયાધારમાં કાર્યક્રમમાં પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર પર્વની ઉજવણી : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના પટાંગણમાં 77 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કમિશનર ઉપસ્થિતિમાં મેયર કીર્તિબેન દાણીધરીયાએ ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરની વિવિધ શાળા-કોલેજમાં પણ ધ્વજવંદન કરી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમ સમગ્ર શહેરમાં 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આત્મનિર્ભર ભારત થકી બોર્ડર પર મૂકવામાં આવેલ ટેન્ક પણ સુરતમાં બની રહી છે. આયુષ્માન ભારત કાર્ડ દ્વારા ગરીબ પરિવાર પણ મોંઘી હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે. આયુષ્યમાન કાર્ડની લિમિટ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે.-- પ્રફુલ પાનશેરીયા (રાજ્યકક્ષાના પ્રધાન)
જિલ્લાકક્ષાનો કાર્યક્રમ : સમગ્ર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરુપે ઘણા દિવસોથી પૂર્વ તૈયારી શરુ કરવામાં આવી હતી. ત્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગારીયાધાર ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર આર. કે. મહેતાની ઉપસ્થિતિમાં રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ગારીયાધારમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકાસ માટે 25 લાખનું અનુદાન : જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન પત્ર પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રફુલ પાનશેરીયા દ્વારા વૃક્ષના રોપા રોપવામાં આવ્યા હતા. આમ ગારીયાધારમાં રંગેચંગે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રફુલ પાનશેરીયાના હસ્તે જિલ્લાના વિકાસ માટે 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ : ભાવનગર શહેરમાં 68 જેટલી શાળાઓમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાવનગરની સરકારી શાળામાં શાસનાધિકારીની હાજરીમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારી શાળાઓમાં નિબંધ સ્પર્ધા, લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.