ભાવનગર: શહેરમાં સરાજાહેર રસ્તા ઉપર યુવકને મારી નાખવામાં આવ્યો હતો. સુભાષનગર વિસ્તારમાં બાઇક લઈને જતા સખ્સ પર આડેધડ હથિયારો વડે ઇજા પોંહચાડીને ઇજાગ્રસ્ત કરતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં હુમલો કરનાર ત્રણથી વધુ હોવાની શક્યતાઓ રહેલી છે. પોલીસે બે શખ્સોને શંકાના પગલે ઝડપી લીધા છે.
ધોળા દિવસે હુમલો: ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ધોળા દિવસે યુવાન ઉપર હથિયારો વડે હુમલો થયો હતો. બાઈક લઈને જઈ રહેલા નવીનભાઈ ખોડાભાઈ ખસિયા સુભાષનગર શહેર ફરતી સડક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા બાઇક ચાલકોએ તીક્ષણ હથિયાર વડે નવીનભાઈ ઉપર હુમલો કર્યો હતો. તીક્ષણ હથિયારના પગલે નવીનભાઈ લોહી લુહાણ થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમને આસપાસના લોકોએ 108 મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે નવીનભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
હથિયારો વડે હુમલો કર્યો: ભાવનગરના સુભાષનગરના શહેર ફરતી સડક ઉપર બજરંગદાસ બાપાની મઢુલી પાસે બાઈક લઈને પહોંચેલા નવીનભાઈ ખોડાભાઈની પાછળથી આવેલા બે થી ચાર શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેને પગલે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
"સુભાષનગર શહેર ફરતી સડક ઉપર નવીનભાઈ ખોડાભાઈ ખસીયા ઉપર શુભમ અને અન્ય શખ્સો દ્વારા હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવવામાં આવ્યું છે. જેને લઇને તપાસ ચાલુ છે અને હાલમાં બે શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે"-- આર.આર.સિંઘલ ( ભાવનગર ડીવાયએસપી)
સ્થળ ઉપર જોવા મળ્યા દ્રશ્યો: ભાવનગર શહેરના સુભાષનગર ઉપર નવીનભાઈ ઉપર થયેલા હુમલા બાદ સ્થળ ઉપર લોહી જોવા મળ્યું હતું. ખાબોચિયું લોહીનું ભરેલું હતું. તલવાર જેવું હથિયાર પણ રસ્તા પર બાઇક સાથે નીચે પડેલું જોવા મળ્યું હતું. બનાવની ગંભીરતા સ્થળ પરના દ્રશ્યો સાબિત કરતા હતા. જો કે બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હોય ત્યારે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર ઘટનાનું કારણ બહાર આવી શકે છે. જો કે મોડી રાત સુધી ફરિયાદ નોંધાઇ ન હતી.