ભાવનગર : આમ તો મોજડી શબ્દ આવે એટલે લગ્નપ્રસંગ યાદ આવે અને બીજું વરરાજાની મોજડી ચોરવાની લગ્નપ્રસંગની વાતો યાદ આવે. પણ અહીંયા મોજડીએ માર ખવડાવ્યો છે. હા, એક આ અજુગતો કિસ્સો ભાવનગરમાં બનવા પામ્યો છે. શહેરના એક મોચીની દુકાનમાં કાર લઈને આવેલા ત્રણ શખ્સોએ પહેલા બુટ બાદમાં ચપ્પલ જોયા અને મેળ ન આવતા મોજડી જોઈ. મોજડી પસંદ પડી જતા ભાવ પૂછ્યાં. પણ દુકાનદારે ભાવ કહેતા ગ્રાહકે પોતાના ભાવ કીધાં. જે દુકાનદારને ન પોસાયાં ત્યારે દાદાગીરી કરીને દુકાનદારને મૂઢ માર મારી, તોડફોડ કરી મોજડી લઈ નીકળી ગયા હતા. બનાવ બાદ હવે મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. દુકાનદારે ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરમાં ક્યાં બન્યો બનાવ : પોલીસ ફરિયાદમાં મળતી વિગતો પ્રમાણે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલા શોભરાજ કોમ્પ્લેક્ષમાં ન્યુ ચેતક તરીકે બુટ ચંપલની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક રાકેશ જગદીશભાઈ ચુડાસમા છે. વાત છે 23 ઓગસ્ટ સાંજે 4.30 કલાકની, જ્યારે તેમની દુકાનમાં ત્રણ શખ્સો ગ્રાહક તરીકે આવ્યા હતા. ત્રણેય શખ્સોએ વારાફરતી બુટ,ચપ્પલ અને બાદમાં મોજડી પર પસંદગી ઉતારી હતી. જો કે દુકાનદારે ભાવ કહેતા ખરીદી કરવા આવેલા શખ્સને મનભાવે તેવા ન હોવાથી દાદાગીરી કરી, કાચા તોડ્યા અને બાદમાં મૂઢ માર માર્યો અને મોજડી લઈને ફરાર થયા હતા. દુકાનદાર દ્વારા બનાવ પગલે ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
મોજડીના કેટલા કીધાં ભાવ : ભાવનગર શહેરના વાઘાવાડી રોડ શોભરાજ કોમ્પ્લેક્ષમાં ન્યુ ચેતક બુટ ચંપલની દુકાન ધરાવતા રાકેશ જગદીશભાઈ ચુડાસમાની દુકાને ક્રિપાલસિંહ ભારોલી અને અન્ય બે શખ્સો ઇકો કાર લઈને ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી કરવા આવેલા ત્રણેય શખ્સોમાંથી ક્રિપાલસિંહ નામના વ્યક્તિએ પહેલા બુટ ચંપલ જોયા હતા. પસંદ ન પડતા અંતે પસંદગી મોજડી ઉપર ઉતારી હતી. એક મોજડી ક્રિપાલસિંહને પસંદ આવી જતા તેનો ભાવ પૂછતા 850 રાકેશભાઈએ જણાવ્યા હતા.
ઢીકા પાટુનો મૂઢમાર અને તોડફોડ મચાવી : જોકે દુકાનદારે કહેલા 850 રુપિયાનો ભાવ નહીં પણ ક્રિપાલસિંહ ભારોલીએ 300 જ આપવાના છે તેની માથાકૂટ કરી. રાજેશભાઈએ નથી વેચવી તેમ કહેતા ક્રિપાલસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. ક્રિપાલસિંહ લેવા હોય તો લે તેમ કહીને ચાલતી પકડી હતી. જે બાબતે રાકેશભાઈએ મોજડી નથી વેચવી તેમ કહેતા ઉશ્કેરાઈને ક્રિપાલસિંહ ભારોલી નામના વ્યક્તિએ અને બે અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો મૂઢમાર માર્યો હતો. દુકાનના કાચ ફોડી નાખ્યા હતા અને મોજડી લઈને જતા રહ્યા હોવાની ફરિયાદ દુકાનદાર રાજેશભાઇએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.